સાંઘીપુરમ્ઃ કચ્છમાં નર્મદાનું પાણી મેળવવા માટે નહેર હોવી જરૂરી છે અને નહેર માટે જમીનની મહત્ત્વની આવશ્યક્તા છે. આથી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કચ્છના ખેડૂતોને જમીન આપવા અરજ કરી છે. તેમણે ૧૦ જુલાઇએ સાંઘી સિમેન્ટ કંપનીના ૧.૨ મિલિયન ટનના નવા એકમનું ઉદ્ઘાટન તથા ૧૫ મેગાવોટની ક્ષમતાના ચીની ટેકનોલોજીયુક્ત ઔદ્યોગિક કચરામાંથી વીજઉત્પાદન કરતા વેસ્ટ હીટ રિકવરી એકમના શિલાન્યાસ પ્રસંગે નર્મદા સિંચાઇના મુદ્દે જણાવ્યું હતું કે, ‘જ્યાં ઝડપથી જમીન સંપાદન થયું છે ત્યાં જલ્દી નર્મદાનું પાણી પહોંચ્યું છે. કચ્છમાં જમીનના પ્રશ્નો છે. કિસાનોને વિનંતી કરું છું કે સામે ચાલીને આવે જેથી જલ્દી કામ પૂરું થાય. હું ખેડૂતની દીકરી છું, પાણીનું મૂલ્ય સમજું છું. ડેમ, રોડ, કેનાલ માટે જમીન આપવી જ પડશે. જમીન સંપાદન ન થતાં નહેરનું કામ અટક્યું છે.’
સાંઘીપુરમ્ ખાતે અત્યારે ૪૧ લાખ ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સાંઘી સિમેન્ટ કંપની બે વર્ષમાં રૂ. ૧,૫૦૦ કરોડનું રોકાણ કરીને તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતા બમણી કરશે. સિમેન્ટ પ્લાન્ટ ખાતે ગ્રાઈન્ડિંગ યુનિટના ઉદ્ઘાટન પ્રસંગે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી રવિ સાંઘીએ કહ્યું હતું કે, કંપની પશ્ચિમ ભારતમાં નવા ટર્મિનલ્સ પણ શરૂ કરવા ઇચ્છે છે, જેથી જળમાર્ગે સિમેન્ટનું પરિવહન વધારી શકાય.