ગાંધીનગરઃ કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે ૨૦૧૩-૧૪માં જે અંદાજ બનાવ્યા એમાં રૂ. ૫૧૮૭ કરોડ નર્મદા યોજના માટે કચ્છને એક એકર મિલિયન ફીટ પાણી આપવા માટે જરૂરિયાત હતી પરંતુ ગયા વર્ષે ફક્ત રૂ. ૨.૫ કરોડ જ ફાળવ્યા હતા અને આ વર્ષે પણ રૂ. ૨.૫ કરોડ જ ફાળવ્યા છે! ૧૫ ટકા જોગવાઇ ન કરો ત્યાં સુધી વહીવટી મંજૂરી ન મળે. કચ્છને વધારાનું પાણી આપવા માટે જરા પણ કામ થઇ શક્યું નથી અને એ કારણે જિલ્લાને અન્યાય થયો છે.
કચ્છમાં મોટા ઉદ્યોગો માટે પાણીની ગંભીર અછતઃ કચ્છમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી થયેલા ઔદ્યોગિકીકરણથી અત્યાર સુધી નાના-મોટા મળીને રૂ. એક લાખ કરોડના રોકાણવાળા ઔદ્યોગિક એકમો કાર્યરત થયા છે. અત્યારે પણ તેની સંખ્યા હજુ વધી રહી છે ત્યારે આ ઉદ્યોગોના છત્ર સંગઠન એવા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ફોકિયા)એ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના અધ્યક્ષને એક પત્ર પાઠવ્યો છે. તેમાં છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગોને પાણીના મંજૂર જથ્થા સામે ૩૦ ટકા ઓછી ફાળવણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ લીધું હોવાની રજૂઆત કરી છે.
કંડલા બંદરને એવોર્ડઃ છઠ્ઠા નોર્થ ઈન્ડિયા મલ્ટી મોડેલ લોજિસ્ટિક એવોર્ડ વિતરણ સમારોહ તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયો હતો. દેશના પ્રથમ હરોળના કંડલા મહાબંદરને નોન કન્ટેનરાઈઝ્ડ કાર્ગો માટે સી પોર્ટ ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરાયો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રવિ પરમારે એક્ઝિમ ઈન્ડિયાના પી. જી. નાયરના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.
પૂર્વ કચ્છમાં બોગસ બનાવટી સૈનિકોનો પર્દાફાશઃ ગાંધીધામ તાલુકાના ખારીરોહરના મચ્છુનગરમાં રહેતા બે બનાવટી સૈનિકોની ધરપકડ થઇ છે. પોતાને ભૂતપૂર્વ સર્વિસમેન બતાવી કંડલાના સંવેદનશીલ વિસ્તારોમાં ખાનગી સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા આ બે શખસની પૂર્વ કચ્છ પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી એક્સ આર્મીમેનની બનાવટી ડિસ્ચાર્જ બુક નંગ પાંચ તથા બે મોબાઈલ કબ્જે કર્યા છે. આ બંને શખસોએ અન્ય ૧૦ લોકોને પણ આવી બોગસ બુક બનાવી આપી હતી. તેવા ૧૦ લોકોને પણ પોલીસે પકડી પાડ્યા હતા. સંવેદનશીલ અને ગંભીર ગણાતા આ બનાવનાં કારણો અનેક સુરક્ષા એજન્સીઓ મુંઝવણમાં હતી. જેના આધારે આ શખસો પણ નિવૃત્ત આર્મીમેન બનીને આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ, કંડલા પોર્ટની ઓઈલ જેટી, કન્ટેનર યાર્ડ અને બીએસએનએલની એક્સચેન્જ ઓફિસ વિગેરે જગ્યાએ કામ કરતા હતા.