નલિયા એરબેઝમાં હળવા ફાઈટર જેટ તેજસની પ્રથમ સ્કવોડ્રન બનશે

Tuesday 25th August 2020 15:01 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની સ્ક્વોડ્રન તહેનાત કરાશે. આ બન્ને સરહદો પાકિસ્તાન સીમાની નજીક છે. દેશની પશ્ચિમી સરહદે તેજસ વિમાનોની પ્રથમ સ્ક્વોડ્રન નલિયામાં બનશે. એક સ્ક્વોડ્રનમાં ઓછામાં ઓછા ૧૮ વિમાન હોય છે એટલે કે નલિયા એરબેઝમાં ૧૮ કે તેથી વધુ તેજસ ફાઇટર પ્લેન તહેનાત કરાશે. એચએએલ પાસેથી એરફોર્સ માર્ક-૧ એ તેજસ વિમાન ખરીદશે. જેમાંથી નવી સ્ક્વોડ્રન બનશે.
નલિયા અને ફલૌદી વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના એરબેઝ છે. અહીં તેજસને તહેનાત કરવાની તૈયારી લાંબા સમયથી થઈ રહી હતી. તેના માટે તમિલનાડુના સુલૂર એરબેઝમાંથી તેજસ વિમાન અનેકવાર અહીં આવી ચૂક્યાં છે તથા પશ્ચિમી સરહદે ઉડાન ભરી ચૂક્યાં છે. નલિયા અને જેસલમેરમાં અત્યાર સુધીમાં ૬-૭ તેજસ વિમાનોનું ટ્રાયલ થઈ ચૂક્યું છે. જૂનમાં ફલૌદી એરબેઝ પર પણ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. મિગ શ્રેણીના વિમાનો ફેઝઆઉટ થતા પશ્ચિમી સરહદે સુરક્ષાના કારણોસર સ્વદેશી વિમાનોને તહેનાત કરવામાં આવે છે. મોટાભાગના તેજસ વિમાનો મિગ શ્રેણીના વિમાનોનું સ્થાન લેશે. હાલમાં જ ૧૫મી ઓગસ્ટની ઉજવણી દરમ્યાન લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ આ અંગે જાહેરાત કરી હતી. કચ્છના નલિયા એરબેઝથી પાકિસ્તાનનું હવાઈ અંતર માત્ર ૪૦થી ૫૦ કિમી છે. આ સ્થિતિમાં હવાઈ, જમીન અને સમુદ્રી સુરક્ષા માટે આ સ્થળ મહત્ત્વનું છે.

તેજસ વિમાનોની ખાસિયત

સ્પીડ: ૧.૬ મેક (અવાજની ગતિ કરતા દોઢ ગણી વધુ ઝડપ) ૨૨૦૦ કિમી પ્રતિ કલાક
વજન: ૬૫૬૦ કિગ્રા - વિશ્વનું સૌથી હળવું ફાઇટર જેટ
ક્ષમતા: ૨૪૫૮ કિલો સુધીનું ફ્યુઅલ લઈને ઊડી શકે છે
ટેક ઓફ: ૪૬૦ મીટરના રન-વે પછી ઊડી શકે છે
અપ્રોચ: ૨૩૦૦ કિમી સતત ઊડી શકે છે
હાઇટ: ૫૦ હજાર ફૂટ સુધી ઊડવાની ક્ષમતા
હથિયાર: લેઝર ગાઇડેડ મિસાઇલ, ઇઝરાયેલી આયુધો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter