ભૂજઃ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે ત્યાં કચ્છના નલિયામાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ૧૯ સપ્ટેમ્બરે નલિયાનું તાપમાન ૪૦.૧ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે હતું. જ્યારે કચ્છના મુખ્ય મથક ભૂજમાં પણ ૩૮.૪ ડિગ્રી સેલ્સીયસ અગનવર્ષા થઇ હતી. આવી તિવ્ર ગરમી અને બફારાની જનજીવન પર પણ અસર પહોંચી હતી.
• મુંદ્રામાં રૂ. ૧૧ કરોડની દાણચોરીની સિગારેટ પકડાઈઃ મુંદ્રા બંદરે પાંચ દિવસમાં કસ્ટમ વિભાગે દરોડા પાડી વિદેશી સિગારેટ ભરેલા છ કન્ટેઇનરો જપ્ત કર્યા છે. કસ્ટમના ૩૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સિગારેટની ગણતરી કરતાં સિગારેટનો આંકડો ૭૦ લાખને પાર પહોંચ્યો હતો. આમ મુન્દ્રા બંદરેથી સ્ક્રેપની આડમાં ઘૂસાડવામાં આવેલી દાણચોરીની સિગારેટની કિંમત રૂ. ૧૧ કરોડથી પણ વધુ હોવાનું માનવામાં આવે છે.
• અંબાજીના માર્ગ પદયાત્રીઓથી ઊભરાયાઃ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અંબાજીના માર્ગ પદયાત્રીઓથી ઊભરાયા છે. ભક્તો બોલ માડી અંબે.. જય જય અંબેના ગગનભેદી નારા સાથે અંબાજી પહોંચી રહ્યા છે. પદયાત્રીઓની સેવા કરવા માટે માર્ગમાં ઠેરઠેર મોટી સંખ્યામાં સેવાભાવી સંસ્થા અને લોકો દ્વારા વિરામ સ્થાનો ઊભા કરાયા છે. વિવિધ શહેરોમાં અંબાજીના સંઘ પણ પ્રયાણ કરી ચૂક્યા છે.
• કચ્છમાં છ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતરઃ કચ્છમાં સારા વરસાદની અસર ખેતરોમાં જોવા મળે છે. જિલ્લાના ૭.૮૦ લાખ હેકટર જેટલા ખેડાણ વિસ્તાર પૈકી ૬.૪૦ લાખ હેકટર જેટલો વાવેતર વિસ્તાર ગણાય છે. જેમાંથી ૬ લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.