નવરાત્રિ પૂર્વે સવા લાખ માઈભક્તોએ મા આશાપુરાના ચરણોમાં શિશ ઝુકાવ્યું

Wednesday 10th October 2018 08:13 EDT
 
 

ભુજઃ નવરાત્રિને ગણતરીના દિવસો પૂર્વે મઢમાં મા આશાપુરાના દર્શન કરવા પદયાત્રિકો સહિતના લાખો માઇભક્તો આવતા હોય છે. તેમાંય રવિવારે દર્શનાર્થીઓનો જમાવડો વધુ હોય છે. છેલ્લાં થોડાં દિવસોથી આ વિસ્તારનું તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે છતાં પણ શ્રદ્ધાળુઓનો પ્રવાસ અવિરત ચાલતો રહે છે.
કચ્છના મોટાભાગના તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ સહિતના સ્થળોએથી આશાપુરા માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવનારા ભક્તોનો પ્રવાહ માતના મઢ ભણી આવે છે. શનિ અને રવિવારે ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે પણ માઈભક્તો સતત પદયાત્રા કરી કિમી કાપતા નજરે પડયા હતા.
રવિવારે બાળકો, વડીલો, યુવા-યુવતીઓ માતાજીના દરબારમાં શિશ ઝુકાવવા તત્પર હોવાથી સતત આગળ વધતા જોવા મળ્યા હતા. તો લાખો માઈભક્તોને પદયાત્રામાં કોઈ તકલીફ ન પડે તેની માટે ખાસ સુરજબારીથી મઢ સુધીના અંતરમાં ૨૫૦થી વધુ કેમ્પોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો ૧૦૦થી વધુ મોબાઈલ કેમ્પો પણ ધમધમતા જોવા મળ્યા હતા.
સેવાકેમ્પોમાં યાત્રિકોને આરામ, ભોજન, ચા-નાસ્તો, આરોગ્યની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. અનેક કેમ્પોમાં કચ્છી ભાણાની લીજ્જત પણ ભક્તો માણી રહ્યા છે. તો અનેક મહાકાય કેમ્પોમાં ઠંડા કુલર ભક્તો માટે રાખવામાં આવ્યા છે. તો અનેક કેમ્પોમાં ડીશ ગોલા પણ રાખવામાં આવ્યા હતા.
ભુજના નમો કેમ્પમાં હોટલની માફક ભોજન પીરસવામાં આવે છે. તડકો વધુ હોવાથી સતત પાણીની માગ જોવા મળે છે. રવિવાર સુધીમાં સવા લાખથી વધુ યાત્રાળુઓએ મંદિરમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter