મોટી વિરાણી: નવરાત્રીની ઉજવણી ભારત સાથે દેશવિદેશમાં થાય છે, પણ નખત્રાણાના ગરબી ચોકમાં નવરાત્રીની ઉજવણી પહેલાં અલભ્ય દૃશ્ય જોવા મળે છે. નખત્રાણાના મુસ્લિમ પેઈન્ટર મહંમદ કરીમ ખત્રી દિવાલો પર છેલ્લાં ૨૦ વર્ષથી નવરાત્રી પહેલાં આ ચોકમાં ધાર્મિક ચિત્રો, ઢોલ નગારાં બનાવે છે. તેઓ ચોકની દિવાલો પર હિન્દુ દેવી, શ્લોક, રાસ રમતી બાળાના ચિત્રો બનાવે છે. મોટી વિરાણીના ગરબી ચોકની ચારે કોર તે સુંદર ધાર્મિક ચિત્રોથી દીવાલો સજાવે છે. વિરાણી ચોકમાં ગરબી થાય છે ત્યાંના આજુબાજુનાં રહેઠાણો, દુકાનો, માતાજીના મંદિરની દીવાલો વગેરે પર તે ભાવથી ચિત્રો કંડારે છે. કરીમભાઇ પહેલાં પેઇન્ટિંગનું કામ કરતા હતા, પણ ૧૦ વર્ષથી ફકત કમ્પ્યુટરાઇઝ ડિજિટલ કામ જ કરે છે, છતાં મોટી વિરાણીની રાસ-ગરબા મિત્રમંડળની ગરબીમાં ચિત્રો બનાવવાનું ચૂકતા નથી. તેમનો પુત્ર ઝૈદ ખત્રી તેમને આ કામમાં મદદરૂપ થાય છે. નવરાત્રીમાં રંગબેરંગી દિવાલોથી સજેલા ચોકમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બહેનો ગરબે ઘૂમે છે.