ભુજઃ દિલ્હી વિજ્ઞાન ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘માસ્ટર હિલર ઓફ આયુષ’ની છાપવાળી પોસ્ટલ સ્ટેમ્પનું ૩૧મીએ અનાવરણ થયું હતું. તેમાં ભારતના ૧૨ જેટલા પ્રખ્યાત આરોગ્યવિદોમાં કચ્છના વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્યનો સમાવેશ પણ કરાયો છે. પુષ્કર્ણા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વૈદ્ય જાદવજી કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વતની હતા. જામનગરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ સેન્ટર ઓફ આયુર્વેદના સર્વપ્રથમ ડીન જાદવજી લેખિત ‘ત્રિદોષ દ્રવ્ય ગુણ રસ વીર્ય વિષાક’ તથા ‘પંચમહાભૂત’ ગ્રંથ તબીબી જગતમાં પ્રમાણભૂત મનાય છે. તેમનાં પુસ્તક મ્યુઝિયમ ઓફ લંડનમાં પણ મુકાયેલા છે.