ભૂજઃ કેન્યાના નાઇરોબીમાં કાર્યરત શ્રીચંદના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કચ્છમાં વીરાયતનની શિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક સંસ્થાના કચ્છના વડા સાધ્વી શીલાપીજીને તાજેતરમાં અર્પણ કર્યો છે. નાઇરોબીસ્થિત કેન્દ્રના સંચાલકના નેતૃત્વમાં ત્રણ મહિલા શિક્ષકોની સાથે ૧૮ વિદ્યાર્થીઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. તેઓ અહીંની શાળામાં બાળકોને ભણાવી નવો અનુભવ મેળવી રહ્યા છે. મૂળ ભારતીય અને ગુજરાતી પણ બે-ત્રણ પેઢીથી કેન્યામાં સ્થાયી થયેલા પરિવારોના સંતાનો તેમના વતનના બાળકોને ત્યાંની બ્રિટિશ પદ્ધતિના શિક્ષણ વિશે જણાવે છે અને કચ્છની પદ્ધતિઓની ખૂબીઓ જાણે છે, સાથોસાથ ભારતીય મૂલ્યો, સંસ્કારના પણ પાઠ વતનમાંથી શીખે છે એમ સાધ્વી મહારાજે જણાવ્યું હતું. વીરાયતન વિદ્યાપીઠની જખણિયા ખાતે આવેલી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ નેપાળના ભૂકંપગ્રસ્તોની મદદ માટે પોતાની અંગત ભંડોળમાંથી હિસ્સો આપીને એકઠી કરેલી રૂ. ૧૧ હજારની રકમનો ચેક પણ સાધ્વીજીને અર્પણ કર્યો હતો.