નાઈરોબીઃ સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ નાઈરોબીમાં વડતાલધામ ઊભું કરવા સંકલ્પ કર્યો હતો.
દિશાહીન બનેલા અમુક ત્યાગીઓ દ્વારા મંદિરોમાં એક જ સંપ્રદાયના માન્ય ભગવાધારીઓને ઉતારા દેવામાં હરિભક્તોને ચડામણી કરવાના બનાવથી વ્યથિત જાગૃત કચ્છી હરિભક્તોએ સૌના માટે સત્કાર સિદ્ધાંતે ‘વડતાલધામ’ સર્જવા નિર્ણય કર્યો છે. ક્યુના રોડ ખાતે વડતાલધામ માટેની જમીન ખરીદાઇ છે તે સ્થળે તાજેતરમાં યોજાયેલા શાકોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા ત્યારે આ નિર્ણય લેવાયો હતો. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ સ્વામીના આશીર્વાદથી આરંભાયેલા પ્રથમ શાકોત્સવ પ્રસંગે ભાવભેર આરતી-પૂજન કરાયું હતું. કર્મયોગી બહેનોની બહોળી ઉપસ્થિતિમાં કીર્તન ભક્તિ, શાત્રવાંચન કરાયું હતું.
આફ્રિકા સ્થિત હરિભક્તોએ કહ્યું કે, એક સમયે ગુજરાતના ભક્તોએ પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પાયા રોપ્યા હતા. હવે કચ્છી હરિભક્તો તેનું ઋણ ચૂકવતાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું સર્જન થવામાં સિંહફાળો આપી રહ્યા છે. ભૂમિની ખરીદીમાં સામત્રા ગામના કે. કે. પટેલ (કે. સોલ્ટ) દ્વારા માતબર દાન અપાયું છે. કચ્છી હરિભક્તો પણ આ મંદિરના નિર્માણમાં દાન આપવા મોટી સંખ્યામાં થનગનાટ વ્યક્ત કરી રહ્યા છે. શાકોત્સવ પ્રસંગે વહેલામાં વહેલી તકે મંદિરનો માણેકસ્થંભ રોપાય તેવી ભાવના વ્યક્ત કરાઇ હતી. કચ્છીઓ દ્વારા ‘વડતાલધામ’ના નિર્ણયથી સમગ્ર ગુજરાતની સ્વામીનારાયણ સંસ્થાઓના સંતો-સંચાલકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.