નાઇરોબીઃ કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના પ્રમુખપદે સામત્રાના વતની રામજી દેવજી વરસાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નાઈરોબીના અંદાજે ૧૮ હજાર કચ્છીઓની સામાજિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે લેઉવા પટેલ સમાજે બે હજાર બાળકોના ઉચ્ચસ્તરીય શિક્ષણની વ્યવસ્થા કરી છે. મેડિકલ સહાય, સમૂહલગ્નો ઉપરાંત વિષમ પરિસ્થિતિમાં રાહતકાર્યો, આશરો આપવામાં અગ્રેસર આ સંસ્થા અને તેના દાતા માતૃસંસ્થા ભૂજ સમાજના સેવાકાર્યોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ૧૨ જુલાઇએ અહીં યોજાયેલી સામાન્ય સભામાં સમાજના પ્રમુખપદે સર્વાનુમતે રામજી દેવજી (આર.ડી.)ને પસંદ કરાયા હતા. તેઓ અગાઉ બે વખત સમિતિમાં રહી ચૂકયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ એલ.આર. પીંડોળિયા એકેડેમી અને સમાજ સ્કૂલના ચેરમેન છે. આ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં સેવાકાર્યોનો વ્યાપ વધારવા, ભૂજ સમાજની સુવર્ણજયંતી અને મુખપત્ર કચ્છી લેવા પટેલ સંદેશ નાઈરોબીના ઘર ઘર સુધી પહોંચે તે કાર્યોને અગ્રતા આપશે. તેમની નિમણૂકને ભૂજ સમાજે સર્વાનુમતે આવકારી છે.