ભુજઃ કચ્છની હસ્તકળાઓના કેન્દ્ર સમાન નખત્રાણા તાલુકાના નિરોણા ગામને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. ૧૩મી ઓક્ટોબરે પ્રથમ વાર નિરોણાની મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ ગામમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવા સાથે લોકોનો પ્રેમ જોઈ ભાવવિભોર થઈ જણાવ્યું હતું કે મેં નિરોણા ગામને નહીં પણ નિરોણાના ગ્રામજનોએ જાણે મને દત્તક લીધી છે.
ગામમાં પ્રવેશ સાથે જ ભૂમિપૂજન કર્યા બાદ કુમારિકાઓની ઉપસ્થિતિમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્મૃતિ ઈરાનીએ રોગાન આર્ટના કારીગર અબ્દુલ ગફુર ખત્રી સહિતના કારીગરોની મુલાકાત લઈ રોગાન આર્ટના તાલીમ-કેન્દ્રની મુલાકાત લીધી હતી. દુર્લભ એવી રોગાન આર્ટના કારીગરોએ શેડ બનાવી આપવા, દેશ અને વિશ્વસ્તરે રોગાન આર્ટની કલાત્મક ચીજવસ્તુઓનું યોગ્ય માર્કેટિંગ કરવા સહિતની વિવિધ રજૂઆત કરી હતી જે વિશે સ્મૃતિ ઈરાનીએ ઘટતું કરવા ખાતરી આપી હતી. નિરોણાના બસ-સ્ટેન્ડ નજીક યોજાયેલી જાહેર સભામાં સ્મૃતિ ઈરાનીએ નિરોણાને આદર્શ ગામ બનાવવા માટે વિવિધ વિકાસકાર્યોની જાહેરાત કરી હતી. તેમણે નિરોણામાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા અને સર્વત્ર સીસીટીવી કેમેરા સાથે ગામને સંપૂર્ણ ડિજિટલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. નિરોણાની હાઈસ્કૂલમાં સાયન્સ લેબ શરૂ કરવાની, ગામની કન્યા અને કુમાર શાળા તેમજ સંસદસભ્ય વિનોદ ચાવડાએ દત્તક લીધેલા કુરન ગામની સ્કૂલમાં કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.