ભૂજઃ નેપાળમાં ભયાનક ભૂકંપથી વિનાશ વેરાયો છે ત્યારે વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાંથી આ પ્રદેશ કેવી રીતે બેઠો થયો તેની માહિતી મેળવવા ખુદ નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. પ્રતિનિધિ મંડળ સાથે આવેલા પ્રચંડે જણાવ્યું હતું કે, જે રીતે કચ્છમાં ભૂકંપ પછી પુનર્વસન થયું છે તેની જાતમાહિતી મેળવી નવી ઊર્જા, નવા અનુભવ સાથે સ્વદેશ જઈ રહ્યો છું. તેમણે કચ્છનું પુનર્વસન તેમની અપેક્ષાથી અનેક ગણું વધુ હોવાનું કબૂલ્યું હતું.
આ માઓવાદી નેતાએ કહ્યું કે, રિલોકેશન સાઈટસ, ભીમાસર ગામ સહિતના સ્થળોની મુલાકાત લીધી છે અને લોકોના અનુભવ જાણ્યા તેના પરથી કચ્છીઓ અને નેપાળીઓ વચ્ચે પાયાનું અંતર પણ જોવા મળ્યું છે. કચ્છના લોકોએ પુનર્વસનને સ્વીકારી લીધું છે પરંતુ નેપાળીઓ તેમની જૂની જગ્યા છોડવા તૈયાર નથી. ભીમાસરની નવરચના અને તેમાં શહેરી જેવી માળખાકીય સુવિધાથી પ્રભાવિત થયેલા પ્રચંડ નેપાળમાં આ ગામના મોડેલનું ઉદાહરણ આપશે. તેમણે કહ્યું કે નેપાળનું એકાદ ગામ પણ જો ભીમાસર જેવું થશે તો તેમને ખુશી થશે. તેમણે ભૂકંપ બાદ ભારતની મદદને બિરદાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.