ભૂજઃ નેપાળ અને ઉત્તર ભારતમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે કચ્છીઓમાં ભારે ચિંતા વ્યાપી હતી. સલામતીના ખબર પૂછવા સતત ફોન આવતા કચ્છીઓને ૧૪ વર્ષ પૂર્વે આવેલા ભૂકંપની ભયાનક યાદ તાજી થઇ હતી. ટી.વી. ચેનલોમાં આ સમાચાર વહેતા થતાં જ મુંબઇ, અમદાવાદ, સુરત, વડોદરા વસતા પરિવારોએ કચ્છમાં રહેતા સ્વજનોને યાદ કરીને કચ્છની સ્થિતિની પૂછપરછ કરી હતી. જોકે, કચ્છમાં તેની અસર ન હોવાનું જાણવા મળતાં હાશકારો અનુભવ્યો હતો. કચ્છના વર્ષ ૨૦૦૧ના ભૂકંપની કરુણતા એ છે કે, આજે ૧૪-૧૪ વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં કચ્છના ચારેય શહેરોમાં હજુ પણ અનેક પરિવારોના સહાય, પ્લોટ ફાળવણી જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.