હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની 16 ઓગસ્ટે જાહેરાત થઇ છે. જેમાં ‘ગુલમહોર’ને વર્ષ 2022ની બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરાઇ છે જ્યારે મલયાલમ ફિલ્મ ‘અટ્ટમ’ની બેસ્ટ ફિલ્મ માટે પસંદગી થઇ છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક સૂરજ બડજાત્યાને ફિલ્મ ‘ઊંચાઈ’ માટે બેસ્ટ ડાયરેક્ટરને એવોર્ડથી સન્માનિત કરાશે. તામિલ ફિલ્મ ‘તિરુચિતરંબલમ્’ માટે નિત્યા મેનન જ્યારે ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરાયા છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ કન્નડ ફિલ્મ ‘કંતારા’ના એક્ટર ઋષભ શેટ્ટીને મળ્યો છે. તો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ ‘ઊંચાઇ’ની ભૂમિકા માટે નીના ગુપ્તાને મળ્યો છે. હરિયાણવી ફિલ્મ ‘ફૌજા’ માટે પવન મલ્હોત્રાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ‘ગુલમહોર’ને બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરવાની સાથે જ મનોજ વાજપેયીને સ્પેશિયલ મેન્શન પણ મળ્યું છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ‘શિવાય...’ ગીત માટે અરિજીત સિંહને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી ઓક્ટોબર મહિનામાં યોજાય તેવી શક્યતા છે.
‘કચ્છ એક્સપ્રેસ’ છવાઇ
ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છવાઇ ગઇ છે. આ ફિલ્મે કુલ 3 એવોર્ડ મેળવ્યા છે. જેમાં ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરાઇ છે. સાથે જ બેસ્ટ ફિચર ફિલ્મની નેશનલ, સોશિયલ, એન્વાયર્ન્મેન્ટલ ઇશ્યૂ કેટેગરીમાં પણ ફિલ્મને એવોર્ડ જાહેર થયો છે. આ ઉપરાંત બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર કેટેગરીમાં ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇનર નિકી જોશીને એવોર્ડ જાહેર થયો છે.
એવોર્ડ વિજેતા ફિલ્મ - કલાકારો
બેસ્ટ ફિલ્મ - ‘અટ્ટમ્’
બેસ્ટ મનોરંજક ફિલ્મ - ‘કાંતારા’
બેસ્ટ ફિચર ફિલ્મ હિંદી - ‘ગુલમહોર’
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર - પ્રમોદ કુમાર (‘ફૌજા’)
બેસ્ટ એક્ટર - ઋષભ શેટ્ટી (‘કાંતારા’)
બેસ્ટ એક્ટ્રેસ - માનસી પારેખ (‘કચ્છ એક્સપ્રેસ’)
બેસ્ટ એકટ્રેસ - નિત્યા મેનન (‘તિરુચિત્રમભલમ્’)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - પવન મલ્હોત્રા (‘ફૌજા’)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - નીના ગુપ્તા (‘ઊંચાઈ’)
સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ - મનોજ વાજપેયી (‘ગુલમહોર’), સંજોય ચૌધરી (‘કાધીકન’)