નૈરોબી: કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ તાજેતરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં હાથીના અનાથ બચ્ચાંઓને દત્તક લેવાના કાર્યક્રમે ખાસ ધ્યાન ખેંચ્યું હતું. માધાપર પટેલ જ્ઞાતિ મંડળ વેલ્ફેર એસોસીએશને તેની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી આખા વર્ષમાં કરી હતી. આ ઉજવણી ત્રણ દિવસના ખાસ કાર્યક્રમ સાથે આરંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં ગરબા નાઇટ, સાંસ્કૃતિક અને ફેશન શો, શોભયાત્રા સહિતના આયોજનો હતાં. ૮૦૦થી વધુ મહેમાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિઓ, કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ, હિન્દુ કાઉન્સિલ કેન્યાના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમ માટે ગામના નૈરોબી સ્થિત દાતા હિતેશભાઇ હીરાણીએ આર્થિક સહયોગ આપ્યો હતો. વર્ષ દરમિયાનની ઉજવણીમાં શાળાની મરમ્મત, ડેમના અને વોટર ટેન્કના કામો તથા જરૂરતમંદોને સહાયતા અપાઇ હતી. તાજેતરમાં દિવાળીની ઉજવણી સાથે વર્ષ દરમિયાનના આયોજનનો અંત આવ્યો હતો.
આ કાર્યક્રમમાં યુવાનોએ હાથીના અનાથ બચ્ચાંને દત્તક લઇને ઉમદા ઉદાહરણ પૂરું
પાડયું હતું.