અમદાવાદઃ ભારતીય કસ્ટમ અધિકારીઓએ કંડલા બંદરે ચીનનાં એક કાર્ગો જહાજને કબજે કર્યું છે. આ જહાજ ચીનથી કરાચી જઇ રહ્યું હતું. જહાજ પર હોંગકોંગનો ધ્વજ હતો અને તેના પર બંદર કાસિમ (કરાચી) લખાયેલું હતું. આ જહાજમાંથી મિસાઈલ લોન્ચ કરવા માટેનો સામાન મળી આવ્યો હતો. કરાચીનું આ વહાણ ૩ ફેબ્રુઆરીએ પકડાયું હતું.
કંડલા બંદર પર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનનાં અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. ડીઆરડીઓ ટૂંક સમયમાં જ અણુ વૈજ્ઞાનિકોની એક ટીમ અહીં મોકલશે જેથી આ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી શકાય. વિદેશ મંત્રાલયે આ જહાજ વિશેની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, અહેવાલો મુજબ, આ જહાજનું નામ ‘દ ક્વિ યોન’ છે. ડીઆરડીઓના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, અણુ વિજ્ઞાનીની એક ટીમ દ્વારા જહાજની તપાસ કરાશે. જો આ ટીમ પણ પ્રથમ તપાસમાં જ પુષ્ટિ કરે કે આ સામાન જોખમી છે તો પછી કસ્ટમ અધિકારીઓ જહાજને કબજે કરીને વધુ કાર્યવાહી કરશે. તમામ લિસ્ટેડ જહાજોની ગતિવિધિનું મેપિંગ કરતી વેબસાઇટ મેરીનેટટ્રાફિક.કોમના અહેવાલો મુજબ, ‘દ ક્વિ યોન’ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ચીનના ઝિયાંગ્સુ પ્રાંતથી રવાના થયું હતું. ૩ ફેબ્રુઆરી ૨૦૨૦થી તેનું લોકેશન કંડલા બંદર પર જ છે. આ શિપનું વજન ૨૮,૩૪૧ ટન છે. આ જહાજ બંદરના જેટી ૧૫ પર ઉભું છે. જેમાં ક્રૂના ૨૨ સભ્યો હોવાનું જણાવાયું છે.