ભુજ: ચીનનાં શાંઘાઈ બંદરેથી પાકિસ્તાનનાં કરાચી બંદરે જઈ રહેલા જહાજને મુન્દ્રા બંદરે અટકાવીને તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. જહાજનાં કન્ટેનરમાં ટાઈટેનિયમ ધાતુ હોવાની શંકા હોવાનું જાણવા મળ્યું છે. આ ધાતુનો ઉપયોગ મિસાઈલ અને પરમાણુ બોમ્બ બનાવવામાં થતો હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. અલબત્ત, આ સંદર્ભે કોઈ પણ તપાસ એજન્સી સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી.
ચીનનાં શાંઘાઈ બંદરેથી પાકિસ્તાનનાં કરાંચી બંદરે જઈ રહેલા જહાજમાં પરમાણુ સામગ્રી હોવાની ઉચ્ચ સ્તરેથી બાતમી મળતા આ જહાજને મુન્દ્રા બંદરે અટકાવી દેવાયું છે. કન્ટેનર જહાજની તપાસ દિલ્હી સહિતની અન્ય ઉચ્ચ એજન્સીઓ દ્વારા કરાઈ રહી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ને મળેલા ઈનપુટનાં આધારે તેની ખાનગી રાહે તપાસ થઈ રહી છે. આ કન્ટેનરમાં મિસાઈલ અને પરમાણુ બોમ્બ બનાવવામાં જેનો ઉપયોગ થાય છે તે ટાઈટેનિયમ ધાતુનો જથ્થો છે. બિલ ઓફ એન્ટ્રીમાં પણ ટાઈટેનિયમ ધાતુનો ઉલ્લેખ હોવાનું મનાય છે.
અગાઉ કંડલા બંદરેથી પરમાણુ સામગ્રી મળી હતી
ફેબ્રુઆરી ૨૦૨૦માં હોંગકોંગથી પાકિસ્તાન તરફ જઈ રહેલા જહાજમાં પરમાણુ શસ્ત્ર બનાવવામાં ઉપયોગી સામગ્રી લઈ જવાતી હોવાની બાતમીનાં આધારે જહાજને કંડલા બંદરે અટકાવીને તેની તપાસ હાથ ધરાઈ હતી.
તે સમયે કસ્ટમ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સહિતની એજન્સીના ટોચના અધિકારીઓએ તપાસ હાથ ધરીને જહાજમાંથી શંકાસ્પદ જણાયેલો માલસામાન કબ્જે કરાયો હતો. શિપિંગ જહાજના રિપોર્ટમાં જાહેર નહીં કરાયેલા આ કાર્ગોમાં ૮.૮ ટન વજનનાં સિલિન્ડરનો સમાવેશ થતો હતો. ડીઆરડીઓનાં પ્રતિનિધિઓએ આ કાર્ગો બાદમાં સંબંધિત સત્તાધિશોને સોંપ્યો હતો,
જેની તપાસમાં આ સામગ્રી પરમાણુ શસ્ત્રમાં ઉપયોગી હોવાનું ખૂલ્યું હતું.