અમદાવાદઃ કચ્છ યુનિવર્સિટીના એમએસસી બીજા વર્ષની વિદ્યાર્થિની ઊર્મિલા વૈષ્ણવે તેને માત્ર પાંચ માર્ક આવતાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરી હતી. છેલ્લી પરીક્ષામાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ તેને પાંચ માર્ક મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઊર્મિલાના પિતાએ ત્યારે કહ્યું હતું કે, ઉર્મિલા આટલા ઓછા માર્ક ક્યારેય ન લાવે. તેમણે યુનિ. પાસે તેમની પુત્રીની આન્સરશીટ જોવા માટે માગી હતી, પણ સત્તાવાળાઓએ ના પાડી દેતાં તેમણે આરટીઆઈ ફાઈલ કરી હતી. આ મામલો અપીલમાં જતાં. ઇન્ફોર્મેશન કમિશનરે યુનિવર્સિટીને ઓર્ડર આપ્યો હતો કે, આન્સરશીટની કોપી ઉર્મિલાના પિતાને આપવી. હાલમાં ઉર્મિલાના પિતાને જાણ થઈ કે, ઉર્મિલાએ ૭૦થી ૫૦ માર્ક મેળવ્યા હતા અને ઇન્ટરનલ માર્ક સાથે કુલ માર્ક ૬૯ હતા.
વર્ષ ૨૦૧૪માં ક્લેરિકલ ભૂલને કારણે તેની માર્કશીટમાં ૫ માર્ક લખાયા હતા અને આ વાતનો યોગ્ય નિવેડો ન આવતાં ઉર્મિલાએ આત્મહત્યાનું પગલું લીધું હતું.
યુનિ.ના સત્તાવાળાઓએ ત્યારે એવું અનુભવ્યું હતું કે જો સત્ય બહાર આવશે તો કદાચ તેમની વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ થશે અને તે કારણે તેમણે આન્સરશીટની કોપી આપવાની ના પાડી હતી.