ભુજઃ પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. જેના પગલે સાબદા થયેલા પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદો પર લશ્કરીદળો તૈનાત કરી દીધા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં સળગેલી કચ્છ સરહદને અડીને આવેલા સિંધ પ્રાંતમાં પણ પાકિસ્તાને ૧૦ હજારથી વધુ સૈનિકો ખડેપગે રાખ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ભારત પણ પાકિસ્તાનની તમામ હલચલ પર નજર રાખી રહ્યું છે. રાજસ્થાન બોર્ડર પર પાકદળોનો જમાવડો જોતાં ભારતે પણ પૂરતી તૈયારી રાખી છે.
પાક.ના સિંધ પ્રાંત, કરાચી અને હૈદરાબાદ એરબેઝ ઉપરાંત ડિપલો અને બદિનના એરબેઝ પર મુવમેન્ટ વધી છે. હાલમાં આ એરબેઝ પરથી કચ્છની સાથે સાથે મોટાભાગના ગુજરાત પર પાકિસ્તાન બાજ નજર રાખી રહ્યું છે. સિંધમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતા લશ્કરી થાણાઓ પર દુશ્મન દેશે છેલ્લા ગણતરીના દિવસોમાં સૈન્યબળ બેથી ત્રણ ગણું વધારી દેતા ભારતીયદળો પણ સાવચેત થઈ ગયા છે.
કચ્છ બોર્ડર પર સૈન્યબળમાં વધારો
કચ્છની સામે એકદમ સિંધ પ્રાંત આવેલો છે. જેનું જમીનમાર્ગે અંતર જોઈએ તો અંદાજે ૭૦ કિ.મી આસપાસ થાય છે. અહીં પાકિસ્તાને કેટલાક નવા થાણા પણ છેલ્લા થોડા વર્ષોમાં વિકસાવી પોતાની તાકાત વધારવા પ્રયાસ કર્યો છે. જોકે આ તરફ ભારતની એટલી તૈયારી છે કે, કચ્છના મુખ્ય બે એરબેઝ પરથી જ જો એટેક કરવામાં આવે તો દુશ્મનદેશ ધરાશાયી થઈ જાય.