ભુજઃ હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે કચ્છીઓ વસવાટ કરે છે.
વસ્તીના અંદાજનો સૌથી મોટો તફાવત મહાનગર મુંબઈના કારણે આવે છે. આ મહાનગરના વિકાસના પ્રારંભિક તબક્કાથી કચ્છીઓ એના મહત્ત્વના અંગ રહ્યા છે. એને બીજું કચ્છ કહીએ તો પણ ચાલે. કેટલાક લોકો એમ માને છે કે મુંબઈમાં કચ્છ જેટલા જ એટલે કે સાડા બાર લાખ કચ્છી વસે છે, પણ અન્ય લોકો આ આંકડાને વધુ પડતો ગણે છે. આમ છતાં એટલું નક્કી છે કે મુંબઈમાં ઓછામાં ઓછા આઠ લાખ કચ્છીઓ વસે છે. ધારણા પ્રમાણે આઠ લાખથી બાર લાખ સુધીની વસ્તીનું અનુમાન છે. સરળતા ખાતર વચ્ચેનો આંક લેવામાં આવે તો પણ દસ લાખ થઈ જાય.
કચ્છ પછી મુંબઈ અને તે પછી કચ્છીઓની સૌથી વધુ વસ્તીવાળું શહેર પાકિસ્તાનમાં છે અને તે છે કરાચી. એક અંદાજ અનુસાર, એકલા કરાચીમાં ત્રણ લાખ ઓગણીસ હજાર કચ્છી વસે છે. ઉપરાંત સિંધમાં અન્યત્ર બીજા પચ્ચીસેક હજાર કચ્છીઓ મોજુદ છે.
તે પછી ચોથા ક્રમે સાબરકાંઠા જિલ્લાનો નંબર આવે છે. ત્યાં સવા લાખ કચ્છીઓ સ્થાયી થયા છે. જેમાંના મોટાભાગના કડવા પાટીદારો છે. જુદા જુદા વિસ્તારોની સંકલિત માહિતી પર નજર કરીએ તો મુંબઈ સિવાય શેષ મહારાષ્ટ્રમાં ૨૦થી ૩૦ હજાર, ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ૧૦ હજાર, કલકત્તા-પશ્ચિમ બંગાળમાં ૬૨૦૦, દક્ષિણ ભારતમાં ૪૦થી ૫૦ હજાર, મધ્ય પ્રદેશમાં ૫થી ૧૦ હજાર, ઓરિસ્સામાં ૩૫ હજાર, અમેરિકામાં ૨૫ હજાર, ઓમાનમાં ૭૦ હજાર અને આફ્રિકા-બ્રિટનમાં ૩૦ હજાર કચ્છીઓ વસતા હોવાનો અંદાજ છે.
ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી કચ્છ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર સહિતના ઉત્તર ગુજરાતમાં ૧ લાખ ૨૫ હજાર, સૌરાષ્ટ્રમાં એક લાખ, દક્ષિણ ગુજરાતમાં ૨૫ હજાર, ચારુતર-ખેડા જિલ્લામાં ૩૦ હજાર અને વડોદરામાં આઠ હજાર કચ્છી હોવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રથી વડોદરા સુધીના ઉપરના આંકડાનો સરવાળો કરીએ તો ૫,૮૪,૨૦૦ થાય છે. તેમાં કચ્છની ૧૨,૬૨,૫૦૭ મુંબઈના આઠ લાખ અને કરાચીના ૩.૫૦ લાખ ઉમેરીએ તો ૨૯,૯૬,૭૦૭નો આંક આવે છે. મુંબઈની વસ્તી આઠ લાખ ગણીએ તો વિશ્વભરમાં કચ્છીઓ વસ્તી ૩૦ લાખની આસપાસ થાય. તો બીજી તરફ દેશના અન્ય રાજ્યોમાં વસતાં કચ્છીઓની વસ્તીના ચોક્કસ આંકડા મળી શક્યા નથી, જેથી તે કચ્છીઓની વસ્તી પણ લાખોમાં પહોંચે તેમ છે.