ભુજ: પાકિસ્તાનમાં છેલ્લા મહિનામાં પડેલા ભારે વરસાદના અનેક વિસ્તારોમાં નદીઓમાં ભારે પુર આવ્યા છે. પરિણામે 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બની ગયા છે. પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર હવે કચ્છના રણમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં થયેલા ભારે વરસાદના પાણી કચ્છમાં ધોળાવીરા - ખાવડા માર્ગ પર ફરી વળ્યા છે. ઘડુલી - સાંતલપુર માર્ગ વરસાદી પાણીના કારણે અનેક જગ્યાએ ધોવાયો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે કચ્છનું ખડીરનું રણ દરિયામાં ફેરવાયું છે.
ભુતકાળમાં પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વરસેલા ભારે વરસાદના કારણે કચ્છના સફેદ રણમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જોકે આ વખતે વિશાળ વિસ્તારમાં પાણી ભરાયા છે. અત્યાર સુધી પાકિસ્તાનમાં ભારે વરસાદથી કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાતું હતું. તાજેતરમાં પાકિસ્તાનના નગરપારકર થરપારકરમાં ભારે વરસાદના કારણે પુર આવ્યા છે જેના પાણી કચ્છના કાઢવાંઢ નજીકના રણમાં ફરી વળ્યા છે. અહીંના રણમાં પાકિસ્તાનના પુરના પાણી ફરી વળતા રણ સમુદ્રમાં ફેરવાઈ ગયો છે. અને હજુ પણ પાકિસ્તાન તરફથી પાણી આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં ભારે વરસાદ થાય તો કચ્છના હાજીપીર, ધોરડો સફેદ રણમાં પાણી ભરાતા હોય છે, પરંતુ આ વર્ષે થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ઉતરાર્ધમાં પડેલા ભારે વરસાદના કારણે પુર આવતા વરસાદી પાણી કચ્છના પચ્છમ વિસ્તારના કાઢવાંઢ વિસ્તારમાં પહોંચી જતા અહીંના રણમાં પાણી ભરાતા સમુદ્રી માહોલ સર્જાયો છે.
એટલુ જ નહીં, પાકિસ્તાનમાં આવેલા ભારે વરસાદના પાણી કચ્છમાં ઘુસતા ઉત્તર ગુજરાતમાં ઘડુલી-સાંતલપુર માર્ગનું ધોવાણ થયુ છે. હજુ આ માર્ગની કામગીરી ચાલુ છે તે પહેલા જ રોડ ધોવાઇ ગયો છે.