મહેસાણા: છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા નજીકના કુકસ ગામમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારની બે દીકરીનાં લગ્ન તાજેતરમાં રવિવારે ગ્રામજનોએ ધામધૂમથી કરાવ્યા હતા. ગામલોકોએ લગ્નનો ખર્ચ તો ઉઠાવ્યો જ સાથે એક પરિવારની જેમ લગ્નમાં પણ જોડાયા. દીકરીની વિદાય વેળાએ પરિવારજનોની સાથે ગામલોકોની આંખો પણ ભીની થઈ હતી.
મિથુભાઇ હોતીભાઇ ઠાકોર સહિત ૧૫ પરિવારો પાકિસ્તાન છોડીને ભારત આવી દિલ્હી રેફ્યુજી કેમ્પમાં રહેતાં પહેલાં મહેસાણાના ઇન્દિરાનગરમાં રહેતા પરિચિતને ત્યાં આવીને વસ્યા હતા. ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવારો દોઢ વર્ષથી કુકસ ગામે સેંધાભાઇ ચૌધરીના બોર ઉપર રહે છે. આ પરિવારની દીકરી જમનાના લગ્ન રાધનપુરના હમીર સાથે તેમજ નીલમના લગ્ન ઊંઝાના ઉનાવાના સૂરજ નામના યુવક સાથે નક્કી થયા હતા.
દીકરીનાં પરિવાર આર્થિક સદ્ધર ન હોવાથી સેંધાભાઇ સહિત ગ્રામજનો મિથુભાઇના ઘરે આવેલા લગ્ન પ્રસંગની તૈયારીમાં લાગ્યા હતા. રવિવારે સવારે રાધનપુર અને ઉનાવાથી વરરાજા જાનૈયાઓ સાથે કુકસ પહોંચ્યા તો ગ્રામજનોએ હોંશભેર વધામણાં કર્યા અને ગ્રામજનોએ રામદેવ પીરના મંદિર પાછળ તૈયાર કરેલા લગ્ન મંડપમાં બંને દીકરીનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કરાવ્યા. સાથે મહેમાનો, ગ્રામજનો અને જાનૈયા સહિત ૫૦૦ માણસોએ એક રસોડે ભોજન પણ લીધું.