અમદાવાદ: ભારત-પાક.ના ૧૯૬૫નું પ્રથમ ‘સત્તાવાર’ યુદ્ધવિરામ ૧૯૬૮ના વર્ષમાં થયું હતું અને જેને ૯ એપ્રિલના ૫૦ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ૧૯૬૫ના યુદ્ધના પરિણામ સ્વરૂપ કચ્છ રાજના સમયથી કચ્છ અને ભારતના અવિભાજ્ય અંગ સમાન છડાબેટ, કંજરકોટ, પાર બન્નીના ૩૦૦ ચોરસ કિ.મી.નો વિસ્તાર પાકિસ્તાનને આપવો પડ્યો હતો. કચ્છની આ જમીન પાકિસ્તાન પાસેથી પરત મેળવવા માટે ૯ એપ્રિલ ૧૯૬૮થી જ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો. જેને ઈતિહાસમાં ‘કચ્છ સત્યાગ્રહ’ તરીકે ઓળખાય છે.
કચ્છ જિલ્લાની પશ્ચિમ સરહદે આપણા જવાનોએ શહીદી વહોરીને કચ્છની જમીન બચાવી હતી, પરંતુ ઈતિહાસના જાણકારોના મતે એ સમયની કેન્દ્ર સરકારે આપણા જવાનોએ લોહી રેડીને જીતેલી કચ્છની ૩૦૦ ચોરસ કિ.મી. જમીન મંત્રણા બાદ એક ઝાટકે ભેટ ધરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે ભારે વિરોધ થયો હતો અને જમીન પરત મેળવવા ૯ એપ્રિલ ૧૯૬૮થી અટલબિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝના નેતૃત્વમાં સત્યાગ્રહ આંદોલન છેડાયું હતું. વિરોધના ભાગરૂપે અનેક યુવાનો જેલમાં પણ ગયા હતા. પરંતુ સરકારના પેટનું પાણી પણ હલ્યું નહીં. જેના કારણે છડાબેટ, કંજરકોટ, પારબન્નીનો વિસ્તાર પાક. પાસે જતો રહ્યો હતો. તત્કાલીન પાક. સરકાર દ્વારા એવો દાવો કરાયો હતો કે તેમણે યુદ્ધમાં છડાબેટ વિસ્તાર જીત્યો છે. યુદ્ધનું પલ્લું ભારત તરફ નમ્યું હોવા છતાં બ્રિટિશ વડા પ્રધાનની દખલથી વિવાદ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની રચના કરાઈ હતી, પરંતુ જાણકારોના મતે તેમાં પણ ભારતે નિમેલા લવાદના મંતવ્યને નજરઅંદાજ કરાયું હતું. બીજી તરફ, પાકિસ્તાન અને યુનોના લવાદના મંતવ્યને માન્ય રખાતા કચ્છને નાનો પણ મહત્ત્વનો હિસ્સો ગુમાવવો પડ્યો હતો. છડાબેટમાં ઉત્તમ ગુણવત્તાનું ઘાસ વિપુલ પ્રમાણમાં થતું હતું. સ્વતંત્રતા અગાઉ અને તેના થોડા વર્ષો બાદ પણ દુષ્કાળના સમયમાં કચ્છના બન્ની પચ્છમના માલધારીઓ ત્યાં સ્થળાંતર કરતા. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્ત્વનો હતો. ૧૯૬૫ અગાઉ ૧૯૫૬માં પણ પાકિસ્તાને છડાબેટ વિસ્તારને કબ્જે કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે ભારતીય સેનાએ તેને ખદેડી દીધું હતું.