ગાંધીધામઃ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી ગામ તેમજ હાઇવે રોડ ઉપર ભરાઇ ગયા હતા. રેલવે સ્ટેશન ઉપર પણ ચોમેર પાણી પાણી જ હતું, પરંતુ ભુજ જઇ રહેલી ટ્રેન રવાના થઇ. જોકે આગળ પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે ટ્રેનને અધવચ્ચે જ અટકાવી દેવી પડી. આ ટ્રેનમાં મુળ રાજસ્થાનના અને હાલ મહેસાણા રેલવેમાં ફરજ બજાવી રહેલા આરપીએફના જવાન શિવચરણચંદ્ર રામસ્વરૂપ ગુર્જર ફરજ પર હતા. ટ્રેન રોકાતાં જ તેણે જોયું કે મજુરી કામ કરી રહેલા એક મહિલા સહિત રાજેન્દ્ર, પંચમહાલના ભરત, મધ્ય પ્રદેશના સાજન, દેવાબેન, દિનેશ, રમેશ, ગૌરીશંકર અને કચ્છના વિવેક સહિત આઠ શ્રમિકો પાણીમાં ફસાયા હતા અને બચવા માટે ઝાડ ઉપર ચડી ગયા હતા. નીચે ૨૦ ફુટ જેટલું પાણી હિલોળા લેતું હતું.
આ ફસાયેલા લોકોને બચાવવા સામખીયાળી પોલીસના જવાનો પણ ભારે મહેનત કરી રહ્યા હતા, પરંતુ પાણીનો ફ્લો વધુ હોવાને કારણે શ્રમિકોને બચાવવાની કોઇ કારી ફાવતી નહોતી. આ લોકોને કઇ રીતે બચાવી શકાય તે વિચારણા ચાલુ હતી. ટ્રેનમાં ફરજ પર તૈનાત શીવચરણચંદ્રે ફસાયલા લોકોને બચાવવા નિર્ધાર કર્યો અને પાણીમાં કુદી પડવા તૈયાર થઇ ગયો, પરંતુ પોલીસે તેને સમજાવ્યો કે એકલા હાથે આ કામ શક્ય નથી, તમે થોડીક વાર રાહ જૂઓ. જોકે શીવચરણચંદ્રે તેમની વાત માનવા ઇન્કાર કરી દીધો. તેણે કહ્યું કે હું આ લોકોને બચાવવા જઇ રહ્યો છું, મારો વીડિયો ઉતારી લેજો અને કદાચ પાછો ન આવું તો પરિવારજનોને આ વીડિયો બતાવી કહેજો કે બચાવવા ગયા હતા અને શહીદ થઇ ગયા.
જવાન શીવચરણચંદ્રે પાણીમાં ઝંપલાવ્યું, અને ફસાયલા આઠેય જણાને એક પછી એક મોતના મુખમાંથી ઉગારી લીધા. સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તેની બહાદુરીને વધાવી લીધી હતી. એટલું જ નહીં, કચ્છ (પૂર્વ)ના એસપી પરિક્ષીતા ગુર્જરે જણાવ્યું હતું કે આ બહાદુર જવાનનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન થાય તે માટે કચ્છ પોલીસ રેલવે પોલીસ દરખાસ્ત મોકલશે.