કોડાયઃ સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. પૂ. ૧૦૦૮ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના સાંનિધ્યમાં સવારે ૧૦-૩૦ કલાકે કન્યા વિદ્યામંદિરનું ઉદઘાટન પિયાવામાં થયું હતું.
ઉદઘાટન મહોત્સવ અંતર્ગત આયોજિત શ્રીમદ્ સત્સંગ જીવન પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે સ્વામીનારાયણ મુનિદાસજી સ્વામી, શ્યામકૃષ્ણદાસજી, સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, સમયની સાથે ચાલતા સ્ત્રીશક્તિકરણ અનિવાર્ય છે, ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાય કન્યા કેળવણી માટે ચિંતિત છે અને કંઠી પંથક માટે સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિર આશીર્વાદરૂપ નીવડશે. તેઓએ ધર્મોપદેશ આપતાં ભક્તિના માર્ગે ચાલી સાત્ત્વિક જીવન જીવવાનો બોધ આપ્યો હતો. સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજીએ સત્સંગનો મહિમા વર્ણવ્યો હતો. ભુજ મંદિરના કોઠારી રામજી દેવજી વેકરિયાએ કહ્યું કે, ભુજ કન્યા વિદ્યામંદિરમાં વાર્ષિક ૧૪૦૦ તેમજ પિયાવામાં ૩૫૦ દીકરીઓ શિક્ષિત બની સમાજના સબળ નિર્માણમાં સહભાગી બનશે. સ્વામી મહાપુરુષદાસજી, પાર્ષદ જાદવજી ભગત, સ્વામી કેશવજીવનદાસજી, સ્વામી શ્રી હરિદાસજી, સ્વામી નિરન્નમુક્તદાસજીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા.
બહોળા હરિભક્તો વચ્ચે ઘનશ્યામ જન્મોત્સવની ધામધૂમથી ઊજવણી કરાઈ હતી. યજમાન પરિવાર, દાતા, શ્રેષ્ઠીઓનું બહુમાન સંતોના હસ્તે કરાયું હતું. રાત્રિ કાર્યક્રમોમાં રાસોત્સવ, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી.
આ પ્રસંગે દિલીપભાઈ ત્રિવેદી (ભુજ), પ્રવીણભાઈ પિંડોરિયા, જાદવજી ગોરસિયા, હરજીભાઈ વેકરિયા, લક્ષ્મણ વરસાણી, કાનજી પટેલ (સરપંચ કોડાય), સહિત ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલની સ્વામી અક્ષરપ્રકાશદાસજી અને સ્વામી ઉત્તમચરણદાસજીએ કર્યું હતું.