ભુજ: વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક ગયા હતા. ત્યાં ચેરિયાના વાવેતર સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સંવેદનશીલ ક્રીકો અંગે પણ બીએસએફના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ નારાયણ સરોવર અને કોટેશ્વરના દર્શન કર્યા હતા. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે આવકાર્યા હતા. અહીં તેમણે મંદિરે પૂજા પણ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર મિતેષ પંડયાએ જણાવ્યું હતું સરહદી વિસ્તારમાં થઇ રહેલા વિકાસકામોના નિરીક્ષણ માટે મિશ્રા આવ્યા હતા.