અમદાવાદઃ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા પાસે ૧૯ વર્ષની વયે ૨૧ માર્ચ ૧૯૬૨ સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યાં હતાં.
૨૮મી ફેબ્રુઆરી ૧૯૭૯ (વિક્રમ સંવત ૨૦૩૫, ફાગણ સુદ બીજ)ના રોજ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યાં. આ ઐતિહાસિક ક્ષણ તેઓના સાધુ જીવનના ૧૬ વર્ષ ૧૧ મહિના અને ૧૭ દિવસ બાદ આવી હતી. એટલે કે તે વખતે સ્વામીશ્રીની ઉંમર ફક્ત ૩૭ વર્ષની હતી. તેઓ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે ૪૧ વર્ષ સુધી બિરાજમાન રહ્યા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ૨૨મી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો હતો.
આચાર્ય સ્વામીશ્રી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવીને ૭૮ વર્ષ ૧ માસ અને ૧૮ દિવસ આલોકમાં દર્શનદાન આપી ૧૬ જુલાઇ ગુરવાર, અષાઢ વદ એકાદશીના પવિત્રતમ શુભદિવસે મનુષ્ય લીલા સંકેલી લીધી છે.
મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ બેન્ડની સ્થાપના
આચાર્ય મહારાજની પ્રેરણાથી અનેક કાર્યો થયા છે. જેમાં યુકે-લંડનના કિંગ્સબરીમાં વિશ્વનું સૌપ્રથમ ઈકો ફ્રેન્ડલી મંદિરનું નિર્માણ કરાવ્યું. આ ઉપરાંત ‘સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન’ હિન્દી ધારાવાહિક ફિલ્મનું નિર્માણ કર્યું છે. વિશ્વપ્રસિદ્ધ સ્કોટિશ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ નાઈરોબી, લંડન, બોલ્ટન, અમેરિકા, મણિનગરની સ્થાપના કરી અને દુનિયાભરમાં પ્રખ્યાત કર્યું.
પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજીની વિદાયથી સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છેઃ મહંત સ્વામી
બીએપીએસના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે અક્ષરનિવાસી આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પરમ પૂજ્ય સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજી અક્ષરનિવાસી થયા છે. પંચમહાભૂતના શરીરને ત્યાગીને તેઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સુખે સુખીયા થયા છે. તેમની વિદાયથી સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છે. તેમની વિદાયનું દુઃખ સહન કરવાની શક્તિ અને બળ સૌને પ્રાપ્ત થાય તે માટે ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહાપુરુષોને પ્રાર્થના કરું છું. મહાન પુરુષો ભલે લૌકિક રીતે વિદાય થાય, પરંતુ તેમનો આધ્યાત્મિક વારસો ચાલુ જ રહે છે. પરમ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજીના અનુગામી પરમ પૂજ્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામી, સૌ સંતો અને હરિભક્તો દ્વારા તેમનું કાર્ય વિશેષ ચાલતું જ રહેશે, તેવી દ્રઢ શ્રદ્ધા સાથે ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું અને પરમ પૂજ્ય સ્વામીજીના ચરણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. જય સ્વામિનારાયણ...
• 'આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ અપાર જ્ઞાન સાથેના આશીર્વાદ ધરાવતા હતા. તેઓ સમાજસેવા - શિક્ષણ - મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા હતા. તેમને હંમેશાં યાદ રખાશે. તેઓની સાથેની મારી અનેક મુલાકાતોને કદી ભૂલી શકું નહીં. તેઓને હંમેશાં સમાજ માટે કરેલી ઉદ્દાત સેવા માટે યાદ રાખીશું. તેઓએ માનવીય વેદનાને દૂર કરવા કરુણા વહાવી હતી. તેમને ભારતમાં જ નહીં વિશ્વના અનેક મનુષ્યો હંમેશાં યાદ રાખશે. ઓમ્ શાંતિ.
- નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
• આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું જીવન સદ્ગુણો - શાણપણથી ભરેલું હતું. નિઃસ્વાર્થપણે માનવતા માટે તેઓ સમર્પિત હતા. તેઓનું નિધન ન પૂરાય તેવી ખોટ છે. સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા તેમના દરેક અનુયાયીઓને મારા હૃદયના ઉંડાણપૂર્વકથી ઓમ્ શાંતિ શાંતિ...
- અમિત શાહ, ગૃહપ્રધાન
• મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી બ્રહ્મલીન્ન થતાં દુઃખની લાગણી અનુભવું છું. જય સ્વામિનારાયણ...
- વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન