ભુજઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમની સામે નોર્થ દ્વારકા, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં દ્વારકાની કોર્ટમાં જ આગોતરા જામીન મેળવી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ તરત જ રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરી દીધા હતા.
કમાણીનો ૨૦ ટકા હિસ્સો ગરીબોના કલ્યાણ માટે ખર્ચ કરે છે. તેથી રસ હોય તો તે એનજીઓ ખોલી આપશેની લાલચ આપીને છબીલ પટેલે નડિયાદની મહિલાને ૨૦૧૭માં દિલ્હી બોલાવી હતી. દ્વારકાના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આ મહિલાને લઇ ગયા હતા.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, છબીલ પટેલે તેને ચામાં નશીલો પદાર્થ ભેળવીને બેહોશ કરી હતી અને તેની પર દુષ્કર્મ આચર્યું તેના ફોટા તથા વીડિયો પણ લીધો હતો.
એ પછી મહિલાને બ્લેકમેઇલ કરીને બીજા લોકો સાથે પણ સંબંધ બાંધવા મજબૂર કરતા હતા. છબીલ પટેલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. આ અંગે નડિયાદની આ પીડિતાએ દિલ્હીના નોર્થ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જોકે છબીલ પટેલ ફરાર થઇ જતાં તેમની શોધખોળ આદરી દેવાઈ હતી.