ભુજઃ વર્ષ ૧૯૭૧ બાદ પાકિસ્તાનથી સોઢા સમાજના સંખ્યાબંધ શરણાર્થીઓ કચ્છ આવીને વસ્યા છે. વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધારાસભ્ય તરીકે કાર્યરત રામસિંહ સોઢા તે વખતે પાકિસ્તાન છોડીને મોરબી આવીને વસ્યા હતા. એ પછી હાલમાં તેઓ કચ્છના નખત્રાણામાં સ્થાયી થયા છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે રામસિંહ સોઢાએ ૨૩મી એપ્રિલે પ્રથમ વખત ભારતમાં મતદાન કરીને લોકપર્વની ઉજવણી કરી હતી. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર સહિતની સરકારી સુવિધાઓના અધિકાર પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૯૮૫માં ગૌસઅલી શાહના મુખ્ય પ્રધાન પદ હેઠળની સરકારમાં રામસિંહ સોઢા માઈનોરિટી વિભાગના પ્રધાન હતા. ત્યાં હિંદુ સમાજ લઘુમતીમાં છે. કચ્છમાં મતદાન કરતાં રામસિંહે જણાવ્યું કે, ૨૦૧૦માં તેઓ પાકિસ્તાન છોડીને ગુજરાતના મોરબીમાં આવ્યા હતા, તે સમયે પણ તેઓ ધારાસભ્ય હતા.
પાકિસ્તાનમાં નડતા સામાજિક સહિતના પ્રશ્નો મામલે તેઓ પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા રામસિંહ સોઢાએ આત્મકથા પણ લખી છે. મોરબી આવ્યા બાદ રામસિંહ સોઢાએ ધારાસભ્ય તરીકેનું રાજીનામું મોકલાવ્યું હતું.