લંડનવાસી દાતાનું દાન એળે ગયું?ઃ ભૂજ તાલુકાના દહીંસરના બસસ્ટેન્ડ ખાતેના સાર્વજનિક પરબને તાળાં લાગી જતાં રાહદારીઓની સુવિધા છીનવાઈ છે. લંડનવાસી દાતા અરજણ રવજી મનજી કારા દ્વારા ગામના બસ સ્ટેન્ડ ઉપર પરબનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ, રાહદારી સહિતના લોકો પીવાનું પાણી મળી રહે અને આ ગામમાંથી કોઈ તરસ્યું જાય નહીં તેવા ઉમદા હેતુ સાથે આ સુવિધા ઊભી કરી હતી પરંતુ પરબના નળને બૂચ મારી બંધ કરવામાં આવ્યા છે. દહીંસરા આસપાસના સરલી, ચુનડી, ગોડપર, મેઘપર, ધુણઈ ગામોનું મુખ્યમથક છે. પરંતુ દાતાની ઉદારતાનો સદુપયોગ કરવાના બદલે દાન વ્યર્થ જાય તેવા કાર્યથી લોકોમાં રોષ વ્યાપ્યો છે.
કચ્છમાં ૩૫૩ ગામને દુકાળગ્રસ્ત જાહેર કરાયાંઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ પડતા રાજ્ય સરકારે જિલ્લાનાં ૩૫૩ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાં છે. ખરીફ પાકના દાનાબંદી પ્રમાણે અસરગ્રસ્ત જાહેર કરેલા ગામોને પીવાનું પાણી, ખેડૂતોને વળતર તથા પશુઓ માટે રાહતદરે ઘાસચારો અપાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાના કેટલાક ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કવાયત શરૂ થઇ હતી. અંતે જિલ્લાના ભૂજ, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા અને લખાપત તાલુકાના ૩૫૩ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. ભૂજ તાલુકાના ૨૩ ગામોને અર્ધ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. ભૂજ તાલુકાના બન્ની પશ્ર્ચિમ વિસ્તારમાં ૪૧ ગામોમાં વરસાદના અભાવે ખેતી થઈ શકી ન હતી. જેમાં મિસરિયાડો, અધિયોગ, શીણીયાડો, શેરવો, ભગાડિયા, ઉદ્ધર મોટી સહિતના ગામોનો સમાવેશ થાય છે.
કચ્છના ચિત્રકાર ગૌરવ પુરસ્કાર જાહેરઃ ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ માટેના ગૌરવ પુરસ્કારની ગત સપ્તાહે જાહેરાત થઇ છે. જેમાં કચ્છના ચિત્રકાર નવીન સોની સહિત કુલ નવ કલાકારોને ગૌરવ પુરષ્કાર એનાયત કરાયા છે.