ભૂજઃ જાહેર જીવનમાં કાર્યરત રહીને પ્રધાનપદ સુધી પહોંચેલા કચ્છના વતની પ્રધાને પોતાના જન્મ દિને એકત્ર થયેલું અંદાજે રૂ. ૫૦ લાખનું ભંડોળ સેવા કાર્યોમાં સમર્પિત કર્યું છે. રાજ્યના કુટિર ઉદ્યોગ રાજ્યપ્રધાન તારાચંદભાઇ છેડાના ૬૫મા જન્મદિને ૧૪ જુલાઇએ વતન મુન્દ્રાના મોટા કાંડાગરામાં યોજાયેલા ધનતુલાના અનોખા કાર્યોમાં કચ્છમાં સેવાકાર્યો માટે અંદાજે રૂ. ૫૦ લાખનું માતબર ભંડોળ એકત્ર થયું હતું. જે રકમને જીવદયા સહિતના વિવિધ સેવાકાર્યો માટે અર્પણ કરવામાં આવ્યું હતું.
કોઇ સેવાભાવી વ્યક્તિની ધનતુલા કચ્છમાં થઇ હોય તેવો પ્રથમ પ્રસંગ કાંડાગરા ગામે યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને જાણીતા દાનવીર દામજીભાઇ એંકરવાલાએ ૧૯૮૬-૮૭ના દુષ્કાળના દિવસોને યાદ કરતાં કહ્યું કે તારાચંદભાઇએ કચ્છમાં જીવદયાથી માંડી માનવસેવાની કરેલી પહેલનો જોટો આજ દિન સુધી જોવા મળ્યો નથી.
તારાચંદભાઇ જન્મદિવસ ઉજવણી સમિતિ દ્વારા ધનતુલા થતાં તેમાં રૂ. ૧૪ લાખ રોકડાથી તેમને તોલવામાં આવ્યા હતા. આ તમામ રકમ એટલે કે રૂ. ૧૪ લાખ કચ્છની ૧૪ પાંજરાપોળોને એક-એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સર્વ સેવા સંઘ દ્વારા ચાલતા નીરણ કેન્દ્રમાં રૂ. સાત લાખ અગાઉ આપી ચૂકેલા દાતા દામજીભાઇએ વધુ રૂ. ચાર લાખ આપવાનું જાહેર કર્યું હોવાનું તારાચંદ છેડાએ કહ્યું હતું.
આમ મળીને વિવિધ સંસ્થાઓ, વ્યક્તિગત રૂપે જીવદયાક્ષેત્ર માટે જન્મદિન નિમિત્તે રૂ. ૫૦ લાખની ધનરાશિ એકત્ર થઇ હોવાની જાહેરાત મુંદરા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જેસરે કરી હતી.