ભુજઃ કચ્છમાં આવેલા એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસિયા મેદાનોમાં શિયાળામાં હજારો યાયાવર પક્ષીઓ આવી પહોંચે છે. કચ્છમાં દોઢસો ટકાથી વધારે વરસાદ વરસી જતાં આ વખતે બન્નીના મેદાનોમાં મીઠા પાણીના સિઝનલ ખાબોચિયા ભરાઈ ગયા છે. યુરોપ અને મોંગોલિયાના દેશોમાંથી આફ્રિકાના મેદાનો તરફ જતા પેસેજ માઇગ્રેશનમાં આવતા પક્ષીઓ બન્નીના મેદાનોમાં થોડો સમય રોકાણ કરતા હોય છે. ખાખી માખીમાર (સ્પોટેડ ફ્લાયકેચર), રાખોડી લટોરો (શ્રાઇક્સ), ચાતક (જેકોબીન કૂક), શિયાળુ દશરથિયું (યુરોપિયન નાઈટજર), કાશ્મીરી ચાસ (યુરોપિયન રોલર), ડોકા મરડી (રાયનેક), ભૂરા ગાલવાળો પતરંગો (બ્લુ ચીક્ડ બીઈટર) જેવા પક્ષીઓ અહીં આવી જતાં પક્ષીપ્રેમીઓમાં આ જગાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા, ગાંધીધામ, અંજાર અને આસપાસના જંગલ વિસ્તારમાં આવા પક્ષીઓ જોવા મળી રહ્યાા છે.