ભુજઃ વિશ્વના છેલ્લા એકમાત્ર મોરચંગ વાદક બન્નીના સામત સાજન પઠાણનું ૨૯મી એપ્રિલે ૬૫ વર્ષની વયે મૃત્યુ થયું હતું. સામત પઠાણ લોખંડનું તળપદું વાદ્ય મોરચંગ જીભથી વગાડતા હતા. તેઓ કચ્છી-સિંધી કાફી પણ ગાતા હતા. બન્નીના જરારવાળી ગામનાં નિવાસી અને ભારતભરમાં પોતાની અનેરી કળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વાહવાહી મેળવનારા સામત પઠાણની દયનીય સ્થિતિના સમાચાર મીડિયામાં આવ્યા પછી રાજ્ય સરકારે તેમને નવેમ્બર-૨૦૧૬માં રાજ્ય નાટય-સંગીત અકાદમીના માધ્યમથી રૂ. બે લાખની સહાય કરી હતી.
રાજ્ય વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી જ્યારે કચ્છના પ્રભારી હતા ત્યારે તેમણે આ કલાકારની કળાને બિરદાવીને તેમની જ સલાહને પગલે માંડવીમાં ખાસ ડાયરો યોજ્યો હતો. આ ડાયરામાંથી પણ રૂ. બે લાખની આર્થિક સહાય પઠાણને કરાઈ હતી. રાજ્યના પૂર્વ નાણા પ્રધાન બાબુભાઈ શાહે પણ તેમને રૂ. ૨૫ હજાર રોકડની મદદ કરી હતી.