ભૂજઃ બન્નીની ભેંસ ખૂબ જ પ્રખ્યાત છે, અને તેની માગ પણ વધુ રહે છે. બન્નીમાં છેલ્લા કેટલાક સમયથી કિંમતી ભેંસોની ચોરીના ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ પોલીસ અધીક્ષક સમક્ષ ષડયંત્રની વિગતો રજૂ કરીને ખાવડા પોલીસની નિષ્ઠા અને કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ચોરાયેલી અંદાજે ૧૦૦ ભેંસનું મૂલ્ય રૂ. ૮૦ લાખ આંકવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદમાં જણાવાયું છે કે, છેલ્લા એકાદ વર્ષમાં ૧૦૦ જેટલી ઉત્તમ ઓલાદની ભેંસોની ચોરી કરીને કચ્છ બહાર વેચવામાં બે-ત્રણ ગેંગો કાર્યરત છે. આ ગેરકાયદે કૃત્યમાં દેઢિયા, છછી, ઢોરી, સુમરાસર (શેખ)ના લોકો સંડોવાયેલા હોવાની દ્રઢ શંકા છે.
ત્રણ ભેંસોની યુટિલિટી જીપમાં ચોરી કરાઈ હોવાની ઘટના માલધારીએ નજરે જોયા પછી તેના નંબર નોંધી ખાવડા પોલીસમાં જાણ કરાઈ હતી પરંતુ આશ્ચર્ય વચ્ચે જીપ કબજે લઈ આરોપીઓની પૂછપરછ કર્યા વિના છોડી દીધા હતા. આ જ આરોપીઓને અગાઉ છછી ગામના કિસ્સામાં ખાવડા પોલીસે પકડયા હતા પરંતુ ધરપકડના કાગળો ચેકલિસ્ટમાં રજૂ નહીં કરતાં કોર્ટે તેને સ્વીકાર્યા ન હતા અને પોલીસે તેને જામીન પર છોડી દીધા હતા.