કચ્છના બળદિયા ગામે આફ્રિકાવાસી ચોવીસી અગ્રણી કરશન ગોપાલ જેસાણીના નામાભિધાન સાથે સ્થાપિત જેસાણી હોસ્પિટલમાં વિવિધ વિકાસ કાર્યો તથા સુવિધા વધારવા માટે રૂ. ૬૦ લાખનું દાન જાહેર થયું હતું. ગત સપ્તાહે અહીં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૧૨૨૮ દર્દીઓએ લાભ લીધો હતો. ભૂજ મંદિરના મહંત સ્વામીના હસ્તે લેબોરેટરી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચાર દાયકા અગાઉ ૧૦૦ ગામના લોકો માટે સારવાર ઉપલબ્ધ કરાવતી બળદિયાની કરશન ગોપાલ જેસાણી હોસ્પિટલ ફરીથી પૂર્ણ કક્ષાની સારવાર માટે સજ્જ થઇ રહી છે.
ભૂજના સ્વાતંત્ર્ય સેનાની અને તબીબનું નિધન
સ્વાતંત્ર્ય સેનાની અને સેવાભાવી તબીબ ડો. હરેશભાઈ છગનલાલ રાણા (૭૯)નું ટૂંકી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. સદ્ગત ૧૯૫૫માં પૂણેની વાડિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે દીવ, દમણ અને ગોવાને ફિરંગીઓના કબજામાંથી મુક્ત કરાવવાનું અહિંસક આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું. મહાત્મા ગાંધીના અનુયાયી અને ભારતીય સ્વાતત્ર્ય આંદોલનના રંગે રંગાયેલા તેમના પિતા ડો. સી. ડી. રાણાના સંસ્કારોથી તેમનું વ્યક્તિત્વ પ્રભાવિત હતું. ‘ક્વિટ ગોવા, દમણ એન્ડ દીવ’ સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા બદલ ગુજરાત સરકારે તેમને સ્વાતંત્ર્ય સેનાની તરીકે માન્યતા આપીને સન્માનિત કર્યા હતા.