ભુજઃ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં ૧૧ એપ્રિલે વધુ એક મોટો ધડાકો થયો છે. આ કેસ માટે રચાયેલી ખાસ રચાયેલી તપાસ ટીમ - એસઆઈટી (‘સીટ’)એ કચ્છના વેપારી અને સ્થાનિક રાજકારણમાં મોટું માથું ગણાતા જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની ધરપકડ કરી છે.
રૂ. પાંચ લાખ આપ્યા
‘સીટ’ના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોતાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ન જાય તે ઈરાદે છબીલ પટેલે જયંતી ઠક્કર સાથે મળીને ભાનુશાળીનો જ કાંટો કાઢયો છે. ઉપરાંત છબીલ પટેલની ધરપકડ બાદ કરેલી કબૂલાતમાં જયંતી ઠક્કરની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. ભાનુશાળની હત્યામાં શાર્પ શુટરોને પાંચ લાખ જયંતી ઠક્કરે જ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના અંતમાં એસઆઈટીએ કચ્છમાં કઠોળના મોટા વેપારી અને એક સમયે જયંતી ભાનુશાળીની જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાની પુછપરછ કરી હતી. જોકે તે વખતે પુરતા પુરાવા નહીં મળતા સાત કલાક બાદ જવા દીધો હતો.
કેડીસીસી બેન્કમાં કૌભાંડ
જયંતી ભાનુશાળી હત્યાકેસની તપાસ કરતી એસઆઇટીને જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાએ કેડીસીસી બેંકમાં રૂ. ૩૦ કરોડનું કૌભાંડ આચર્યાની વિગત મળી છે. જયંતી ભાનુશાળી આ કૌભાંડ બહાર લાવશે તો પોતાની રાજકીય કારર્કીદી સમાપ્ત થઈ જશે તેવા ડરથી જયંતી ઠક્કર તેના મર્ડરના ષડયંત્રમાં સામેલ થયો હતો.
હજુ છ લાપતા
આ પછી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ કરીને પુછપરછ કરતા શાર્પ શુટરોની વ્યવસ્થા કરવા અને સોપારીમાં અડધો ભાગ આપવાનું જયંતી ઠક્કર સાથે નક્કી થયાનું ખુલ્યું હતુ. જેના ભાગરૂપે મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી (ભાઉ) સાથે છબીલ પટેલની મુલાકાત થઈ હતી. આમ અત્યાર સુધી આ ગુનામાં સાત લોકોની ધરપકડ કરાઇ છે. જયારે છથી વધુ આરોપીઓ હજુ નાસતા ફરે છે.
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, સીડીકાંડમાં વિવાદમાં આવેલા જયંતી ભાનુશાળીની હત્યામાં પકડાયેલા છબીલ પટેલ અને જયંતી ઠક્કરની વાતચીતનું રેકોડીંગના પુરાવા મળ્યા છે. જેમાં બન્ને આરોપીઓ જયંતી ભાનુશાળીનો કાંટો કાઢવો નહીંતર આપણને મોટું નુકસાન જાય તેમ છે એવી વાત કરતા સાંભળવા મળે છે.
લેણદેણનો વિવાદ
એસઆઈટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક જયંતી ભાનુશાળી તથા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ઠક્કર વચ્ચે ગંભીર અણબનાવ હતો. મનીષા ગોસ્વામી અને જયંતી ભાનુશાળી વચ્ચે પણ આર્થિક મુદ્દાઓને લઈને વિવાદ ચાલતો હતો. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલે મનીષા ગોસ્વામી સામે નરોડા પોલીસ મથક કરેલી ફરિયાદમાં મનીષા ગોસ્વામીને ૧૦મી જૂનથી ૩જી ઓગસ્ટ સુધી જેલમાં રહેવું પડયું હતું. આ બાબતે મનીષા ગોસ્વામીને જયંતી ભાનુશાળી સાથે મનદુઃખ થયું હતું. આ વખતે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતી ઠક્કર સાથે ગોઠવણ કરીને સુરજીત પરદેશી (ભાઉ)ને લઈને સાબરમતી જેલમાં મનીષા ગોસ્વામીને છોડાવવા માટે મદદ કરી હતી.