ભૂજ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી નવેમ્બરે વીડિયો કોલના માધ્યમથી ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા મહિલા કાર્યકરોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કચ્છનાં દયાપરનાં ચંદ્રિકાબહેન લિંબાચિયાએ સવાલ કર્યો કે, કચ્છની સ્ત્રીઓનો પરંપરાગત વ્યવસાય ભરતકામ છે. આ વ્યવસાયને દુનિયમાં કેવી રીતે ફેલાવી શકીએ? પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં આ ઉપાધ્યક્ષાએ કરેલા સવાલથી મોદીએ પ્રભાવિત થતાં કહ્યું કે, તમારા સવાલથી મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ.
ચૂંટણીનો સમય હોવા છતાં રાજકીય ચર્ચા કરવાના બદલે નાનકડા ગામડાંની મારી બહેન વ્યવસાયની વાત કરે, એ પણ પાછું મને એમ કહે છે કે, દુનિયામાં કેવી રીતે આગળ વધીએ. કચ્છનાં મારાં ગામડાંની બહેન દુનિયામાં કેવી રીતે પહોંચાય અને તેમાં પણ તેનો સીધેસીધો રસ્તો વડા પ્રધાનને પૂછે. આ છે તાકાત ગુજરાતની. બહેન આપણે કચ્છમાં જે રણોત્સવ કર્યોને એ પછી કચ્છના હેન્ડિક્રાફ્ટની ચારેતરફ બોલબાલા છે. મોટા મોટા અર્થશાસ્ત્રીઓએ ખૂબ સરસ વાત કહી છે કે, પાણી-ખેતી અને ઉદ્યોગો અવકાશ હોય ત્યાં એનો વિકાસ થાય, પણ જ્યાં રણપ્રદેશ હોય, જ્યાં ઉદ્યોગોની સંભાવના ન હોય, ખેતીની સંભાવના ન હોય તો દુનિયાના અર્થશાસ્ત્રીઓ એક મુદ્દા પર સહમત છે કે, રણપ્રદેશની અંદર કલા, સાહિત્ય, હેન્ડિક્રાફટ એની એ કુદરતી તાકાત રહેલી હોય છે. તેને જેટલું પ્રોત્સાહન આપીએ, તેટલો વિકાસ થાય. આપણે તેને એ પ્રકારે પકડયું છે, તેમ મોદીએ જવાબ આપતાં જણાવ્યું હતું.