માંડવીઃ બિદડા સર્વોદય ટ્રસ્ટના કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણ પામનારા હેલ્થ વેલનેસ સેન્ટર માટે તારામતી વિસનજી ગાલા પરિવારે રૂ. એક કરોડ ૫૧ લાખના દાનની જાહેરાત કરી છે. આ મુખ્ય દાન પૈકી પ્રથમ તબક્કે રૂ. ૫૦ લાખનો આગોતરો ચેક સંસ્થાના ટ્રસ્ટી મોભી હેમંતકુમાર બચુભાઈ રાંભિયાને અર્પણ કર્યો હતો. રતનવીર નેચર કયોર ઈન્સ્ટિટયૂટ પાછળ પાંચ એકર જમીનમાં અંદાજે રૂ. ચારે કરોડનો પ્રોજેક્ટ એક વર્ષમાં કાર્યાન્વિત કરાશે. શહેરોમાં ભૌતિકવાદી જીવનશૈલીમાં અવાજ અને પ્રદૂષણથી ત્રસ્ત લોકોના લાભાર્થે અષ્ટાંગ યોગ આધારિત માનસિક-શારીરિક-સાંવેગિક તંદુરસ્તીને ઉત્કૃષ્ટ બનાવવાના ઉદ્શથી નિર્માણધીન આ પ્રકલ્પને આધુનિકતાનો ઓપ અપાશે એવી માહિતી અહીં આપવામાં આવી હતી. નેચર કયોર ઈન્સ્ટિટયૂટના નિયામક હેમંતકુમાર રાંભિયાએ કહ્યું હતું કે, ચિત્તની એકાગ્રતા માટે વિશ્વભરમાં પ્રયોજાતી ટેકનિકોનું સામાન્યીકરણ કરાશે. ૨૦ હજાર ચોરસ ફૂટ બાંધકામવાળા માળખાંમાં ચાર સ્યૂટસ, સોળ ડિલકસ રૂમોમાં ૪૦ પથારીનું આયોજન કરાશે. સંપૂર્ણ રીતે વાતાનુકૂલીત માળખામાં આઠ અષ્ટાંગ યોગ આધારિત થેરાપી કક્ષ હશે. આ ઉપરાંત અદ્યતન ડાયેટ-જ્યુસ સેન્ટરમાંથી સાત્વિક આહાર પ્રદાન કરાવાશે. માતુશ્રી નિર્મળાબેન બચુભાઈ રાંભિયા ઉદ્યાન સામે સાકાર થઈ રહેલાં સંકુલમાં યોગ માસ્ટર, હેલ્થ ગુરુ, સેલેબ્રિટી ટ્રેઈનર, થેરાપીસ્ટ નિષ્ણાતો-તજજ્ઞોની સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ બનશે.