ધોળાવીરાઃ પુરાતત્ત્વીય સંસ્કૃતિ માટે વિખ્યાત ધોળાવીરામાં અઢી હજારની વસતી છે. ધોળાવીરા છેવાડાનું ગામ છે. એ પછી રણપ્રદેશ શરૂ થઈ જાય છે. ધોળાવીરાથી સૌથી નજીક ૧૦૦ કિ.મી. દૂર આવેલું રાપર છે અને તાલુકા મથક ભચાઉ ૧૫૫ કિ.મી. દૂર છે. ધોળાવીરામાં અત્યારે પ્રવાસીઓની ઝાઝી અવરજવર નથી અને બેંકિંગ સેવા માટે રાપર જવું પડે છે. નોટબંધીની સ્થિતિ માટે ગામના નાગરિક જયમલભાઈ મકવાણા કહે છે કે સરકારનો નિર્ણય સારો હશે તેની ના નહીં, પરંતુ રાતોરાત નોટબંધીથી ધોળાવીરામાં ભારે મુશ્કેલી છે. ગામની મોટા ભાગની પ્રજા ગરીબ છે. મજૂરી કરે છે. રોજનું કમાઈને ખાય છે. એમને મજૂરી મળતી જ બંધ થઈ ગઈ છે એટલે હવે કેટલાક ઘરોમાં ખાવા ધાન નથી. એ તો ઠીક છે કે ગામડું છે એટલે લોકો હળીમળીને રહે છે અને પાડોશમાં કોઈ પાસે ધાન હોય તો ઉછીનું આપે છે, પણ તોય કેટલાય ઘરો રોટલાના ભાગ કરીને ખાય છે. અમે પોતે જ હવે એકાદ ટંકનું જમવાનું ટાળી દઈએ છીએ. ધોળાવીરામાં કાર્ડ દ્વારા કે ચેક દ્વારા લેવડદેવડ કરવાની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી તો ઈન્ટરનેટ આ ગામે ક્યાંથી પહોંચ્યું હોય?