ભુજઃ ૩૦મી એપ્રિલે સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની ભુજમાં પૂર્ણાહૂતિ થઈ હતી. આ મહોત્સવમાં દેશ- વિદેશથી ભક્તોએ આવીને ભાગ લીધો હતો. કચ્છમાંથી બ્રિટન જઈને વસેલા લોકોની સંખ્યા મસમોટી છે ત્યારે તેમના પ્રયાસોથી અમદાવાદ સ્થિત બ્રિટીશ કોન્સ્યુલેટના ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઈને પણ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. ધાર્મિક ઉત્સવમાં એક જ સ્થળે હજારો લોકો ઉપસ્થિત રહ્યા અને સુનિયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ મહોત્સવને માણવું એક સુખદ અનુભવ ગણાવ્યું હતું. કચ્છીજનોને બ્રિટીશ વિઝા બાબતે થઈ રહેલી તકલીફો અંગે સ્પષ્ટ કરતા તેમણે કોન્સ્યુલેટ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી થાય છે ત્યારે વારંવાર વિઝા કેન્સલ થવા પાછળ એજન્ટો દ્વારા થતી અધૂરી કાર્યવાહી જવાબદાર છે. આ સ્થિતિમાં વિસાધારકો એજન્ટોના સ્થાને સીધેસીધા કોન્સ્યુલેટ કચેરીનો સંપર્ક કરે તેવું તેમણે કહ્યું હતું. બીજી વખત ભુજ આવેલા ડે. હાઈ કમિશ્નરે કહ્યું હતું કે, બ્રિટનમાં ૭ લાખથી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે અને બ્રિટનના અર્થતંત્રના વિકાસમાં તેમનો ફાળો અમૂલ્ય છે. કચ્છી પટેલોના વિઝા કેન્સલ થવા અંગે તેમણે કહ્યું હતું કે, ઈમિગ્રેશન વિભાગને આવતી અરજીઓ પૈકી ૯૨ ટકાને વિઝા મળી જાય છે. કચ્છમાં એજન્ટ મારફતે થતી અરજીઓનું પ્રમાણ ઊંચું છે ત્યારે સંભવતઃ અપૂરતી જાણકારી અથવા ઉતાવળને કારણે ડોક્યુમેન્ટેશનમાં થતી ભૂલથા વિઝા અરજી રદ થતા હોય તે બનવાજોગ છે. ઈંગ્લેન્ડની સરકાર ‘જેન્યુઈન’ ગુજરાતીઓ અને કચ્છીઓને હંમેશા આવકારતી હોય છે ત્યારે સીધો કોન્સ્યુલેટનો સંપર્ક વિઝા અરજદારો કરે તે હિતાવહ હોવાનું કહ્યું હતું.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશો ઈમિગ્રન્ટ વિઝામાં કાપ મૂકી રહ્યા હોવાથી તેની અસર ભારતીયો પર થવાની સંભાવના દર્શાવાઈ રહી છે. આ અંગે બ્રિટનની નિતિ અંગે પૂછવામાં આવતા જ્યોફ વેઈને ૮ જૂને બ્રિટનની ધારાસભાની ચૂંટણી યોજાનાર છે અને ત્યારબાદ આવનારી સરકાર આ અંગે નીતિ ઘડશે તેવું કહી ભારતીયોના હિતોને નુકસાન થાય તેવો નિર્ણય લેવાની સંભાવના નહીંવત જણાવી હતી. આ ઉપરાંત, આગામી જુલાઈ-ઓગસ્ટમાં ઈંગ્લેન્ડમાં ટ્રાઈબલ ઈન્ડિયા કાર્યક્રમ અને વિલ્સડનમાં સ્વામિનારાયણ મંદિરમાં ધાર્મિક ઉત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે તેમાં ભાગ લેવા આવતા સંતો અને સત્સંગીઓને કોઈ સમસ્યા ન થાય તે માટે ભુજ મંદિરમાં બેઠક પણ કરી હતી અને વિઝા સંબંધિત સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં ડે. હાઈ કમિશ્નરે નિયમાનુસાર કાર્યવાહી કરી કોઈને હેરાનગતિ ન થાય તેવી કામગીરીની ખાતરી આપી હતી.
વિઝા માટે એફડીને પણ ધ્યાનમાં લેવા કરાશે ઉચ્ચકક્ષાએ નોંધ કચ્છીજનોને ઈંગ્લેન્ડના વિઝિટર વિઝા મેળવવા માટે બેન્ક એકાઉન્ટમાં પાંચેક લાખ જેટલું બેલેન્સ બતાવવું પડે છે. પટેલ ચોવીસીના મોટાભાગના ગામોમાં બેન્કોમાં તગડી ફિક્સ ડિપોઝિટ થયેલી છે ત્યારે મોટી ડિપોઝિટ ધરાવતા બેન્ક ખાતાધારકોના ખાતામાં ઓછી રકમ હોવાને કારણે તેમના વિઝા રદ્દ કરવામાં આવતા હતા. આ અંગે હાઈ કમિશ્નરને જાણ કરવામાં આવતા તેમણે આશ્ચર્ય દર્શાવી કહ્યું કે, કોઈ પણ દેશ વિઝિટર વિઝા લઈને ત્યાં ગેરકાયદે વસવાટ કરવાવાળાને ઈચ્છતું ન હોવાથી વિઝા નિયમો કડક બનાવવામાં આવ્યા છે. હવે, કચ્છીઓના વિઝા માટે ફિક્સ ડિપોઝિટને 'એસેટ' તરીકે ગણવા કચેરીએ નોંધ કરાવી નિયમાનુસાર કાર્યવાહી કરાશે તેવું કહ્યું હતું.
ભારતીયોમાં ભય દૂર કરવા સરકારે લાંબા ગાળાની
નીતિ અપનાવી
બે દાયકા અગાઉ ભારતીયો તથા અન્ય એશિયનો પર વંશીય હુમલાનું પ્રમાણ વધવા પામ્યું હતું. તે સમયે તત્કાલીન સરકાર દ્વારા ભારતીયોમાં ભય ઘટાડવા તથા વંશીય હુમલાઓ પર કાબૂ મેળવવા લાંબા ગાળાની નીતિ અપનાવી હોવાનું કહ્યું હતું. કમ્યુનિટી સેન્ટરોમાં બેઠકો, ભારતીયોના ઉત્સવોમાં સરકારી પ્રતિનિધિઓના નિયમિત ભાગ લેવા જેવા પગલાંથી માંડીને પોલીસ દ્વારા પણ કડક પગલાને કારણે હવે બ્રિટનમાં વંશીય હુમલાનું પ્રમાણ નહિવત્ થઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.