મુન્દ્રાઃ મૂળ મુન્દ્રાના અને સિલાઇ કામના વ્યવસાયાર્થે મુંબઈમાં કાંજુરમાર્ગ પર રહેતા મેહુલ લઘુભાઈ પીઠડિયા (ઉ.વ. ૩૭) ઘરમાં નહાવા ગયા બાદ મોડું થતાં બાથરૂમનું લોક ખોલવામાં આવ્યું તો બેભાન મળી આવ્યા હતા. તબીબોએ તેને મગજમાં અતિ રક્તસ્રાવ થવાને કારણે મૃત જાહેર કર્યા હતા. આ પરિસ્થિતિમાં મેહુલના પરિવારે પૂર્ણ સંયમથી વાસ્તવિકતા સમજીને મૃતકનાં હૃદય, ફેફસાં, બે કિડની, બે આંખોના દાનની તબીબી સલાહ માની હતી.
મેહુલના પત્ની ઊર્મિબહેને પણ આ માનવતાવાદી કાર્યમાં સંમતિ આપી હતી. દરમિયાન આ યુવાનના હૃદય અને ફેફસાંનું પ્રત્યારોપણ એક પોલીસકર્મીને કરાતાં તેનું જીવન બચી ગયું હતું. જ્યારે બંને કિડનીથી અન્ય બે દર્દીને નવજીવન સાંપડ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓમાં નેત્રારોપણ કરાતાં કુલ પાંચ જણનું જીવન સુધર્યું છે, તેવી વિગત તેના મોટા ભાઈ સુધીરે આપી હતી.