ભચાઉઃ મોટી ચીરઈ નજીક ૩૦મીએ સાંજે ટ્રેઇલર અને નમક ભરેલા ડમ્પર વચ્ચે એક ઇનોવા કાર દબાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં ભુજના એક જ પરિવારના ૧૦ જણાનાં મોત થયાં હતાં. ભુજના જેષ્ઠાનગરમાં ગણેશ ચોક પાસે ‘ભરત ભુવન’માં રહેતા ગિરધારીલાલ કોટિયા (ધોબી)ના પરિવારજનો સહિત ૧૩ લોકો ભચાઉ નજીકના એક દેવસ્થાને દર્શન કરીને ગાંધીધામ પરત ફરતા હતા. એ સમયે ટર્બો ડમ્પર ગાંધીધામથી ભચાઉ આવતું હતું. તેનું ટાયર ફાટતાં તે પલટી ખાઈને ડિવાઇડર કૂદી સામેના રોડ પર ગાંધીધામ જતી ઇનોવા સાથે અથડાયું હતું. ઉપરથી પાછળથી આવતું ટ્રેઇલર પણ કારને ભટકાતાં કાર બન્ને ભારે વહનો વચ્ચે દબાઈને ડૂચો વળી ગઈ હતી. નસીબજોગે આ અકસ્માતમાં હેન્સી નામની બાળકી બચી ગઈ હતી. તેને તુરંત જ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની યાદી
• અશોકભાઈ કોટિયા (ઉ. વ. ૪૪) • પૂનમબહેન રમેશભાઈ કોટિયા (ઉ. વ. ૪૦)
• નિર્મલાબહેન કોટિયા (ઉ. વ. ૩૮) • નિકિતાબહેન રમેશભાઈ કોટિયા (ઉ. વ. ૧૫)
• નંદનીબહેન કોટિયા (ઉ. વ. ૧૬) • તૃપ્તિબહેન કોટિયા (ઉ. વ. ૧૬) • મોહિત કોટિયા (ઉ. વ. ૧૦) • ભવ્ય કોટિયા (ઉ. વ. ૧૨) • હિતેષભાઈ સુનિલભાઈ (ઉ. વ. ૨૦, માધાપર) • અર્જન કોટિયા (ઉ. વ. ૧૮, માધાપર)