ભુજઃ ભૂકંપમાં બંધડી ગામ આખું કાટમાળમાં ફેરવાયું અને સરકારે આપેલી મદદના પગલે વલ્લભાચાર્યજી વિશ્વકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને કુલ રૂ. ૨૭૭.૭૯ લાખનો પ્રોજેક્ટ રિપોર્ટ ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કરે ટ્રસ્ટ વતી કર્યો હતો. ભૂકંપગ્રસ્ત ગામલોકોને સહાયનો એક પણ પૈસો ત્યારે અપાયો નહીં ને સંસ્થાએ મકાનો તથા માળખાગત સુવિધાઓ ઊભી કરી હતી. પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ બંધડીની ખેતીની જમીન બિનખેતીમાં ફેરવીને ભૂકંપગ્રસ્ત ગામલોકો માટે નવી વસાહત ઊભી કરી આપવાની હતી. જેના માટે ગામના રમણ ગોવા રબારી પાસેથી ગામ ઊભું કરવા તેમનું ખેતર એટલે કે જમીન ખરીદાઈ હતી. આ જમીન બિનખેતીલાયક કરીને સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઇ અંબાલાલ ઠક્કરે પોતાના નામે પાવર ઓફ એટર્ની કરાવી લીધા હતા. આ જમીન પર થનારા બાંધકામમાં શાળા, પંચાયતરૂમ, આંગણવાડી, દવાખાનું અને મકાનો હતા તે ઊભા કરાયા. લાભાર્થીઓને સોંપાયા અને વસવાટ શરૂ પણ થયો. હવે કરમણ ગોવા રબારીના વારસોએ આ જમીન પ્રદ્યુમનસિંહ દીપુભા જાડેજાને વેચાણ લખી આપતાં વિવાદ સર્જાયો છે.