ભચાઉઃ કચ્છના પ્રવેશદ્વાર સમા વિકાસશીલ ભચાઉ નગરનો ઈતિહાસમાં પ્રથમ વખત ૧૫મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભચાઉ શહેર ૩૧૮ વર્ષ પૂરા કરીને ૩૧૯માં વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે નગરની મુખ્ય બજાર, પ્રવેશદ્વાર અને કિલ્લાને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.
૧૫મીએ સવારે ૧૧-૩૦થી ૧૨-૩૦ દરમ્યાન ભચાઉના ઈતિહાસ વિશે બુઝુર્ગો દ્વારા વકતવ્ય હતું. એ પછી કિલ્લા પર શીલાપૂજન અને રાત્રે ૮ વાગ્યે આતશબાજીનો કાર્યક્રમ ભચાઉમાં યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઉર્મિલાબહેન પટેલ અને ભાડાના અધ્યક્ષ વિકાસ રાજગોર સહિતના અગ્રણીઓએ ભચાઉ નગર સ્થાપનાના દિવસનું પ્રમાણ કેવી રીતે મળ્યું એની વાત કરી હતી. ભચાઉ નગરપાલિકા ઉપપ્રમુખ કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજાએ વહીવટી તંત્રનું ધ્યાન ખેંચીને નગરપાલિકાની સમાન્ય સભામાં ઠરાવ મૂકતાં કહ્યું હતું કે, આ નગરની પ્રથમ સ્થાપના મહાસૂદ નવમીના દિવસે થઈ હતી તેથી દર વર્ષે ભચાઉનો જન્મદિન આ તિથિએ ઉજવવાનો પ્રારંભ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ભચાઉની સ્થાપના રામસિંહજી જાડેજાએ વિક્રમ સંવત ૧૭૫૪માં તોરણ બાંધીને કરી હતી. કુલદીપસિંહ રામસિંહજીના પંદરમી પેઢીના વંશજ છે તેથી તેમની પાસે આ અંગેની લેખિત વિગતો પણ મળી આવે છે.