ભચાઉઃ કચ્છ જિલ્લામાં નવમી ઓગસ્ટે સૌથી વધારે કહી શકાય એટલો વરસાદ ૧૬ ઇંચ ભચાઉ તાલુકામાં વરસવાની સાથે ક્યાંક આનંદ તો ક્યાંક આફતની સ્થિતિ સર્જાઇ છે. ભૌગોલિક દૃષ્ટિએ ભચાઉ નગર અને ગ્રામ્ય વિસ્તાર ઊંચાઈ પર છે. પાણીના કુદરતી નિકાલ માટે ઉત્તરે રણની ખારી, દક્ષિણે દરિયો છે.
ડેમ તળાવ ઓગન્યો
અગાઉ ૩૫ ગામ માટે પીવાનું પાણી પૂરું પાડતો શિવલખા ડેમ ઓગની ગયો છે. વસવાટનો ડાકણિયો ડેમ પણ ઓગની ગયો છે. આ સાથે શિવલખા ગામે મુખ્ય મથકથી જવાનો માર્ગ તૂટી ગયો છે. લાકડિયા નજીકનો કોલીવાસ પાસેનો પુલ બેસી જતાં નુકસાન સહન કરવું પડ્યું છે. વસવાટનો ડેમ પણ ભરાઈ ગયો છે. ડેમ ઓગન્યા બાદ વધારાનું પાણી લાકડિયા-કટારિયા થઈ દરિયામાં તેજ પ્રવાહથી આગળ વધી રહ્યું છે.
ચાંગ ડેમ ઓગન્યો
પીવાનાં પાણી અને હજારો એકર જમીન માટે ઉપયોગી ચાંગ ડેમ ઓગની ગયો છે. ચાંગ ડેમ વિસ્તારમાં બે દિવસમાં ૧૧ ઇંચ જેવો વરસાદ પડ્યાનો અંદાજ છે. કકરવા, માય, ખારોઈ, કંથકોટ, ચોબારી સર્વત્ર વરસાદ હોવાનું ચાંગ સિંચાઈ મંડળના પ્રમુખ એડ. એમ. કે. ઉંદરિયાએ જણાવ્યું હતું. ચાંગ નદી ઉપર બંધાયેલા ચાંગ ડેમ ભરાયો છે. ચાંગ નદી ઓવરફ્લો થતાં આગળ વધી રહી છે.
ખેતીની જમીન ધોવાઈ
જડશા ડેમ પણ ઓગની ગયાના વાવડ છે. નેરવાળી ખારી નદી બે કાંઠે વહી રહી છે. ગામ તણાવ ઓગન્યું છે. કુંભારડી તળાવ, ડેમ ઓગન્યા હોવાનું સરપંચ શક્તિસિંહ જાડેજાએ જણાવીને કહ્યું કે, ગામનું કુંભાસર તળાવ ઓગન્યું છે.