અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની આઠમીએ ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. માળિયા પાસે બે અજાણ્યા માણસો ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો. ભાનુશાળીનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, જયંતી ભાનુશાળી હત્યા બાદ ગાંધીધામથી સામખિયાળી વચ્ચે ટ્રેન પુલિંગ થયું હતું. ગાંધીધામથી ટ્રેન ઉપડી અને રાતે ૧૨.૫૫ વાગ્યાની આસપાસ ટ્રેનનું ચેન પુલિંગ થતાં ત્રણ મિનિટ માટે ટ્રેન રોકાઈ હતી. ભચાઉથી સામખિયાળી વચ્ચે જ આ ઘટના બની હતી. સૂરજબારી પુલ પાસે ટ્રેનમાં હાજર રેલવેના કર્મીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક કોચમાં દોડી ગયા હતા. ટ્રેનમાં ૩ જીવતા કારતૂસ, ૨ ફૂટેલા કારતૂસ અને એક ફૂટેલી બુલેટ મળી હોવાનું સીઆઈડી ક્રાઈમ અને રેલવે પોલીસે જણાવ્યું હતું. વેસ્ટર્ન રેલવેના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ભાનુશાળીની હત્યા ચાલુ ટ્રેનમાં થઈ હતી. તેમણે કહ્યું કે બે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. ભાનુશાળીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદમાં શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
લાયસન્સવાળી બંદૂક બેગમાં જ રહી
પોલીસે જણાવ્યું કે, જયંતી ભાનુશાળીની લાયસન્સ વાળી બંદૂક તેમની સૂટકેસમાં પાઉચમાં જ હતી. જોકે હત્યારાઓએ હુમલો કર્યો ત્યારે બચવા માટે તેમણે વલખા માર્યા હશે, પણ બચાવમાં પિસ્તોલ કાઢીને વાપરી શક્યા ન હતા. ભાનુશાળીનો મૃતદેહ જે કોચમાંથી મળ્યો તે એચવન કોચને અમદાવાદમાં અલગ કરીને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા સીલ કરવામાં આવ્યો છે. ૉ
છાતી અને આંખ પર ફાયરિંગ
પોલીસે જણાવ્યું કે સૂરજબારી અને કટારિયા વચ્ચે હત્યાની આ ઘટના બની હતી. ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલા પવન નામના મહારાષ્ટ્રના માણસે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
જયંતી ભાનુશાળીની હત્યા પછી મૃતકના ભાઈ શંભુ ભાનુશાળીએ હત્યા પાછળ ભાજપના નેતા છબીલ પટેલ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ થોડા દિવસ પહેલાં જ અમેરિકા જતા રહ્યા છે.
જયંતી ભાનુશાળીનો પરિચય
જયંતીલાલ પરસોત્તમભાઈ ભાનુશાળી કચ્છ ભાજપમાં મોટું નામ ગણાતા હતા. ૮૦ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કરનારા જયંતી ભાનુશાળી રિયલ એસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તાલુકા અને જિલ્લા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભાનુશાળીનો જન્મ કચ્છના હાજાપરમાં થયો હતો. પરિવારમાં તેમને એક પુત્ર ને એક પુત્રી છે.
યુવતી પર દુષ્કર્મનો વિવાદ
ગત વર્ષે જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની યુવતીએ જયંતી ભાનુશાળી વિરુદ્ધ ફેશન ડિઝાઇનિંગના કોર્ષમાં એડમિશન અપાવવાની લાલચે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી હતી. વીડિયો ક્લિપ થકી બ્લેકમેલ કરીને તેનું જાતીય શોષણ થયાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું.
આ મામલે ભાજપે જયંતી ભાનુશાળીનું રાજીનામું લઈ લીધું હતું અને તેમના વિરુદ્ધ વોરંટ જાહેર થયું હતું. જોકે, બાદમાં પીડિતાએ ભાનુશાળી વિરુદ્ધ ગેરસમજ થઈ હોવાનું જણાવી ફરિયાદ પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી.