ગાંધીધામઃ ઉરી પર હુમલા અને પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો સ્ટેન્ડ ટુ જેવી પોઝિશનમાં આવી ગયા છે ત્યારે કચ્છમાં આવેલા ક્રીક એરિયામાં પાકિસ્તાને તેની ગતિવિધિ અને ફોર્સનું ડિપ્લોઈમેન્ટ વધારી દીધું છે. કચ્છની ક્રીક અને દરિયાઈ સીમાની સાથે સાથે ગુજરાત-મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા અરબી સમુદ્રના વિશાળ જળ વિસ્તારમાં પાકિસ્તાન સૈનિકોનો જમાવડો વધારી રહ્યું હોવાના રોજેરોજના ઈન્ટેલિજન્સ રિપોર્ટ વચ્ચે ભારતીય ગુપ્તચર એજન્સીનો એક એવો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે, જેમ ભારતે બોર્ડર સિકયોરિટી ફોર્સના રેગ્યુલર યુનિટમાંથી ક્રીક એરિયાની સિકયોરિટી માટે ક્રોકોડાઈલ કમાન્ડોઝને ક્રીકમાં ગોઠવી રાખ્યા છે તેમ પાકિસ્તાને પણ રેન્જર્સમાંથી ડોલ્ફિન નામના કમાન્ડો યુનિટ ક્રીકમાં ગોઠવી રાખ્યા છે. પાકિસ્તાને આ ડોલ્ફિન કમાન્ડો ઈન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈનની એકદમ નજીક ગોઠવ્યા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે. જોકે, ભારત પણ કચ્છના ક્રીક એરિયામાં થઈ રહેલી ગતિવિધિ અને ગોઠવણ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તેમનાથી ઓલ મોસ્ટ ડબલ શકિત સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
પાક.ના મારકોસ કમાન્ડોની સંખ્યામાં વધારો કરાયો
ગુજરાત-મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા અરબી સમુદ્રની સીમા પર પાકિસ્તાન મરીન્સની સાથે નેવીના મારકોસ કમાન્ડોની સંખ્યા નોંધપાત્ર રીતે વધારી દીધો છે. નેવલ ઇન્ટેલિજન્સના આ પ્રકારના ખુફિયા અહેવાલોને ધ્યાનમાં લઈને ભારતે પણ પાક મરીન્સ અને તેની નેવીને ટક્કર આપવાનું પ્લાનિંગ કરી લીધું છે. પાક નેવીના મારકોસ કમાન્ડોની સરખામણીમાં સહેજ પણ નીચે ન ઉતરે તેવા આપણી ઇન્ડિયન નેવીના મારકોસ કમાન્ડોએ તેમનો કચ્છ ઉપરાંત રાજ્યમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવા સ્થળોએ બેઝ સંભાળી લીધો છે.
ભારત પાસે નેવુંના દાયકાથી મારકોસ કમાન્ડોની ફોજ
મારકોસ કમાન્ડોની ફોજ ભારત વર્ષો પહેલા નેવુંના દાયકાથી તૈયાર કરી ચૂક્યું છે. આ કમાન્ડો ૧૯૮૭માં કરેલા ઓપરેશન પવનથી માંડીને ઘણા રોચક ઓપરેશનને અંજામ આપી ચૂક્યા છે. ઇન્ડિયન નેવીના મારકોસ કમાન્ડોએ મુંબઈના આંતકી હુમલા વખતે તાજ હોટેલ અને અન્ય જગ્યાએ કરેલા ઓપરેશન તો આપણે લાઈવ જોઈ ચૂક્યા હોવાથી હજુ પણ લોકોને યાદ છે.