અમદાવાદઃ ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઓ હડપ્પીય સંસ્કૃતિના સમયગાળામાં પણ અનુભવાતી હતી. હજારો વર્ષ પહેલાં પણ પાણીના સંગ્રહ માટે વિશાળ બંધ બાંધવામાં આવતા હતા. ભુજના ભારાસર ગામ પાસે આવેલો હડપ્પીયન સમયનો પાણીનો બંધ તેનો ઉત્તમ નમૂનો છે. ભારાસર નજીક આવેલી ખાટરોડ લાંકી ટેકરી ઝાડકો ઉપનદીનું ઉદગમ સ્થાન છે. ત્યાંથી મૂળ હડપ્પીય બંધ ૫૦૦ મીટર દક્ષિણે આવેલો હતો. આ બંધનું પૂરક પાણી જૂના ભારસર નજીક નાના તળાવમાં એકઠું થતું હતું. ઈસ પૂર્વે ૨૦૦૦ વર્ષ પહેલાં તે ભારાસર કહેવાતું હતું જ્યાં સરોવર હતું એવું કેટલાક ચિહ્નો દ્વારા માલૂમ પડે છે. ત્યાર પછી મહારાવ ભારામલજીએ ગામને ફરી વસાવ્યું હતું. આ બંધના વધારાના પાણીથી બનેલા સરોવરમાંથી સિંચાઈ થતી હતી. આ બંધનું પાણી ઓવરફ્લો થાય તેને ખેતરમાં સિંચાઈ તરીકે ઉપયોગ લેવાતું હતું.
ભૌગોલિક પરિબળોને કારણે કચ્છમાં રણ વિસ્તાર છે અને વરસાદ અનિયમિત અને ઓછી માત્રામાં પડે છે. વરસાદ ઓછો હોવાને કારણે ભૂગર્ભજળની ગુણવત્તા પણ પ્રમાણમાં નબળી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કચ્છ પ્રદેશના દૂરંદેશી રાજાઓએ વિવિધ જગ્યાઓ ઉપર તળાવ, બંધ અને સરોવર બંધાવ્યા હતા. આ તમામ જળાશયોની બાંધણી એવી રીતે કરાઈ હતી કે વરસાદનું જમીન પર પડતું પાણી અલગ અલગ આવક્ષેત્ર દ્વારા આ જળાશયોમાં એકઠું થતું હતું.