ભૂજઃ ગત મહિને કચ્છમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે પ્રથમ રાઉન્ડમાં જ ૧૧૭ વરસાદ નોંધાયો હતો. સિંચાઇ વિભાગના જળાશયોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સતત બે વર્ષ ઓછા વરસાદ પછી વરસાદથી ઊંડા ઊતરી ગયેલા ભૂગર્ભજળની અત્યારની સ્થિતિ સારી બની હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાની ભૂગર્ભ પરિસ્થિતિ ઉપર ૨૫ વર્ષથી નજર રાખતા હાઇડ્રોલોજીસ્ટના મતે કેટલાક સ્થળોએ ત્રણ મીટર સુધી પાણી ઊંચે આવી ગયા છે. વિતેલા બે વર્ષમાં લાગલગાટ વરસાદ નહીં થવાના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઇ હતી અને સમગ્ર જિલ્લામાં નાના-મોટા તળાવ સૂકાયા હતા, તો સિંચાઇ વિભાગ હસ્તકના જળાશયો પણ ખાલી થવાથી જમીનમાં રિચાર્જિંગ નહીં થતાં બોર-કૂવાનાં પાણી ઊંડા ઊતરી ગયાં હતાં.
કચ્છમાં ઓગસ્ટમાં૨૨થી વધુ ધરતીકંપ નોંધાયાઃ ઓગસ્ટ મહિનાની ૨૧ તારીખ સુધીમાં કચ્છમાં ૨.૦ અને તેથી વધુ તિવ્રતા ધરાવતા કુલ ૨૨ જેટલા કંપનો નોંધાયા છે. જેમાં ત્રણ કંપનોની તિવ્રતા ત્રણ કરતાં પણ વધુ નોંધાઇ છે. કચ્છના પેટાળમાં ઘણા વર્ષોથી હલચલ થઇ રહી છે. અસ્થિર પ્લેટોના કારણે નાના-મોટા અનેક ભૂકંપો કચ્છમાં નોંધાયા છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીઓએ અનેક સંશોધનો કર્યા છે અને ફોલ્ટલાઈનો શોધી છે, જેમાં વિશેષ પૂર્વ કચ્છના વાગડ પંથકમાં સૌથી વધુ આંચકા નોંધાયા છે.