ભુજઃ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ માર્ચે સાંજે વાતાવરણમાં નાટકીય પલ્ટો આવ્યો હતો અને કરા પડવાની સાથે કમોસમી વરસાદના ધોધમાર ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તો બીજી તરફ, બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના પગલે ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા હતા. ભુજ તાલુકાનાં કનૈયાબે, મોખાણા, ડગાળા સહિતનાં ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની સાથે વાદળો બંધાયા હતા અને અચાનક પ્રારંભમાં કરા પડયા બાદ ૨૦થી ૨૫ મિનિટ સુધી કમોસમી વરસાદી ઝાપટાં પડયા હતા. દરમિયાન મહા માસમાં આ પ્રકારનાં કમોસમી વરસાદી ઝાપટાંને લીધે ખેડૂતો ચિંતિત બન્યા હતા. મોટા ભાગનાં ખેતરોમાં શિયાળુ પાકની કાપણી અને ઉનાળું પાકોનું વાવેતર થઈ રહ્યું છે. આમ વરસાદી ઝાપટાંને લીધે તૈયાર પાકને નુકસાની થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. બીજા દિવસે તો સમગ્ર જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સૂર્યદેવતાનો તાપ મંદ પડયો હતો. જોકે વરસાદી માહોલ આગળ ન વધતાં ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.